newsdog Facebook

ભાજપ નેતા ગોરધન ઝડફિયાને નિશાન બનાવવા આવેલો છોટા શકીલનો શાર્પ શુટરે એટીએસની ટીમ પર ફાયરીંગ કર્યુ

Vartman News 2020-08-19 19:46:13

અમદાવાદ-19-8-2020

ભાજપના નેતા અને માજી ગૃહમંત્રી ગોરધન ઝડફિયાને મારવા માટે આવેલા શાર્પશૂટરમાંથી એકને ATSએ ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં એવી વિગતો બહાર આવી છે કે,  ઈરફાન ઈલિયાસ શેખ  છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં રહેતો હતો. ત્યારે ઇરફાનને આજે રાતે મળવા માટે સલમાન નામનો વ્યક્તિ આવવાનો હતો જે ઇરફાનને બીજી મદદ કરવાનો હતો તેવું એટીએસ માની રહી છે. બીજી તરફ તપાસમાં એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે, છોટા શકીલના આ પન્ટર ઇરફાનને આ હત્યા માટે અઢી લાખ રૂપિયા મળવાના હતા.

ગઇ મધરાત બાદ ત્રણ વાગ્યાના સુમારે એટીએસની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાં છાપો માર્યો હતો તેમજ હોટલમાંથી પોલીસે ઇરફાન નામના વ્યક્તિને  ઝડપી પાડ્યો છે. પોલીસે જ્યારે હોટલ પર જઇને  ઈરફાનના રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે રૂમમાંથી ઇરફાને સીધુ પોલીસ પર ફાયરીંગ કર્યું હતું.  શાર્પશૂટરે અચાનક જ પોલીસ પર ફાયરિંગ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને ATSની ટીમે ઈરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાલિયા નામના મુંબઈના શાર્પશૂટરને સીફત પુર્વક ઝડપી લીધો હતો. તેમજ ઈરફાનના ફોનમાંથી મળેલી ચેટમાં ખુલાસો થયો કે, એક અન્ય શાર્પ શૂટર પણ આવવાનો હતો. પોલીસે આ શાર્પશૂટરની પણ તપાસ શરૂ કરી છે જ્યારે ઈરફાનને પોલીસ ઉચકી ગઇ હતી અને તેની તપાસ હાથ ધરતા એવુ જાણવા મળ્યું હતું કે, રાજ્યના માજી ગૃહમંત્રી અને ભાજપના અગ્રણી એવા રખિયાલના માજી ધારાસભ્ય ગોરધન ઝડફિયાની સોપારી ડોન દાઉદ ઇબ્રાહીમના ભાઇ છોટા શકીલની ટોળકીએ આપી હતી. તેમજ તેને કમલમની આસપાસ ફિલ્ડીંગ ગોઠવીને ગોરધન ઝડફિયાની ગેમ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસને એવી બાતમી મળી હતી કે, ભાજપના મોટા નેતાની હત્યાનો પ્લાન બન્યો છે અને પોલીસે ગુપ્ત રાહે બાતમીદારોને એક્ટીવ કર્યા હતા. જેમાં એવી વિગતો બહાર આવી હતી કે, ઇરફાન નામનો વ્યક્તિ ગોરધન ઝડફિયાની હત્યા માટે અમદાવાદમાં આવ્યો છે અને તે રિલિફ રોડની હોટલમાં રોકાયો છે.  આ શાર્પશૂટર 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના રાજકારણીઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું કહેવાય છે. હાલમાં એટીએસની ટીમ દ્વારા આ શાર્પ શુટરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને તેનો અન્ય એક મદદગાર પણ પોલીસના રડારમાં હોવાનું જાણવા મળે છે.