newsdog Facebook

સુરતમાં ફરી જાહેર રસ્તામાં બર્થડે ઉજવણી : કોવીડ ગાઇડલાઇન લીરેલીરા ઉડ્યા : 7 લોકોની ધરપકડ

Akila News 2020-08-19 00:00:00

સુરત: કેટલાક સુરતીઓ સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે સરકારના નિયમોના ધજાગરા ઉડાવતા જોવા મળે છે અને જાહેરમાં બર્થડે ઉજવણીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે સુરતના વેસુમાં  કોવિડ ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવતા જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન કરાયું હતું,જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ એક યુવતી સહિત 7 લોકોની ધરપકડ કરી છે.


આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના વેસુ વિસ્તારમાં રહેતા 25 વર્ષના નિકુંજ મોદીની 14 ઓગસ્ટે બર્થ ડે હતી. આથી તેના મિત્રો દ્વારા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આઠેક જેટલા યુવક-યુવતીઓએ જાહેરમાં રસ્તા ઉપર કેક કાપીને બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું.

આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેની પોલીસે ગંભીરતાથી નોંધ લઈ તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરીને બર્થ-ડે સેલિબ્રેશનમાં સામેલ 7 લોકોની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવાના ભાગરૂપે કોઈ જાહેર કાર્યક્રમમાં 4 કરતાં વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું ફરજિયાત છે. જો કે આ બર્થ ડેના વીડિયોમાં આ તમામ નિયમોને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. હાલ ઉમરા પોલીસે નિકુંજ મોદી સહિત તેના મિત્રો વિરુદ્ધ જાહેરનામા ભંગની 188 કલમ અંતર્ગત ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.