newsdog Facebook

ઝેરીલું સમુદ્રમંથન : સામૂહિક અને સામુદ્રિક આશાનું માનવસર્જિત નિકંદન!

Sanjsamachar 2020-08-19 12:03:00

તેલ ઢોળાવાની ઘટનાને કારણે સમુદ્રના જીવો પર ખોરાક અને રહેઠાણ વિનાના થઈ જાય છે. કેટલાક જીવો પોતાના શારીરિક બંધારણની મૂળ ખાસિયતો ગુમાવી બેસે છે. તેલના સંપર્કમાં આવેલા સસ્તન જીવો માટે તો તેલ એક પ્રકારનું ધીમું ઝેર છે! કેટલાક જીવોમાં ઠંડા પાણી સામે ટકી રહેવાની કાબેલિયત હોય છે, પરંતુ તેલને કારણે તેઓ પોતાની આ લાક્ષણિકતા ગુમાવી બેસે છે અને અંતે શિયાળામાં સમુદ્રનું તાપમાન નીચું થવાને કારણે મૃત્યુ પામે છે.

શું તમને ખ્યાલ છે કે પુષ્કળ દવાઓ વિશ્વના જુદા જુદા સમુદ્રમાં મળી આવતા જીવોમાંથી બનાવવામાં આવે છે? એચ.આઈ.વી. માટેની સર્વપ્રથમ અસરકારક એન્ટિવાયરલ ટ્રીટમેન્ટ ગણાતી અણઝ દરિયામાં મળી આવતા સ્પોન્જના ઘટક તત્વોમાંથી બનાવવામાં આવી હતી. ઘણા ખરા પેથોજેનિક બેક્ટેરિયા, ફૂગ, પરોપજીવી કીટાણુઓથી માનવશરીરને મુક્ત કરાવવા માટે અલગ અલગ સામુદ્રિક જીવોના રંગસૂત્રનો અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ગયા મહિને ઇન્ટરનેશનલ રીસર્ચ ટીમના ધ્યાનમાં આવ્યું કે, કોરોના વાયરસની અસરકારકતા ઓછી કરવા માટે ‘આલ્ગી’ (એક પ્રકારનો શેવાળ) ઘણું ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. લેબોરેટરીમાં પ્રયોગો કરતાં માલૂમ પડ્યું કે તેની ઉપયોગિતા કોરોના માટે વપરાતા ’રેમડેસિવિર’ના ઇંજેક્શન કરતાં પણ ક્યાંય વધારે છે!

આલેખન - પરખ ભટ્ટ : સમુદ્રમાં તેલ વહી જવાની બે મોટી ઘટનાઓ આ વર્ષે બની. ગઈ 29 મે ના રોજ રશિયાના દરિયાકિનારે વહી ગયેલું હજારો ટન તેલ સમેટવામાં ત્યાંની સરકારને મોઢે ફીણ આવી ગયા. ઉપરથી આંતરરાષ્ટ્રીય નામોશી થઈ એ લટકામાં! અને હવે, જુલાઈ મહિનાના આખરી અઠવાડિયામાં મોરેશિયસના દરિયાકિનારે હિંદ મહાસાગરમાં 1000 ટનથી વધારે માત્રામાં તેલ વહી ગયું, જેને હવે તો યેનકેન પ્રકારેણ ફરી સાફ કરી લેવામાં આવ્યું છે. પરંતુ આ પ્રકારની ઘટના સામુદ્રીક જીવો માટે જીવલેણ પૂરવાર થાય છે, જેની સીધી અસર માનવજાતના ભવિષ્ય અને સ્વાસ્થ્ય પર પડી રહી છે એનાથી આપણે હજુ અજાણ છીએ.

હિંદ મહાસાગરના જે ભાગમાં આ ઘટના બની, એ ભાગ સામુદ્રિક જીવો માટે અત્યંત સંવેદનશીલ ગણાય છે. ‘બ્લ્યુ બે મરિન પાર્ક રીઝર્વ’ અને ’મરિન ઇકોસિસ્ટમ’ પર આનો દુષ્પ્રાભાવ જોવાની સંભાવના છે. ચિંતાની વાત એ છે કે આ બંને ભાગોમાં એવા પ્રકારના સામુદ્રિક જીવો જોવા મળે છે, જે માનવજાતને થઈ રહેલા કેટલાક ભયંકર રોગો અને ગંભીર બીમારીઓની દવા બનાવવા માટે કામમાં આવે છે, જેના વિશે આગળ વિગતવાર વાત કરીએ એ પહેલા ભૂતકાળમાં બનેલી આવી જ કેટલીક ગંભીર દુર્ઘટના પર નજર ફેરવી લેવાની જરૂર છે.

1991ની સાલમાં પર્શિયન ગલ્ફ યુદ્ધ સમયે ઇરાકના સૈનિકોએ 38 કરોડ ગેલન તેલ ઉત્તરીય પર્શિયન ખાડીમાં વહેવડાવી દીધું હતું. ઈતિહાસમાં સૌથી વધુ માત્રામાં તેલ વહી જવાની ઘટનામાં તેનો સમાવેશ થાય છે. 2010ની સાલમાં 87 દિવસ સુધી મેક્સિકોની ખાડીમાં 40 લાખ બેરલ તેલ વહેતું રહ્યું અને આપણે તેને અટકાવવા માટે કશું જ નહોતા કરી શક્યા. વર્ષ 2016માં યુનાઈટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સર્વે અને નાસાના સંયુક્ત અભ્યાસનું તારણ એ નીકળ્યું હતું કે 2010માં મેક્સિકોમાં બનેલી ઘટનાને કારણે આપણે કાંઠા વિસ્તાર પરના ઘણા જીવો અને સામુદ્રિક વારસો ગુમાવવાનો વખત આવ્યો છે. માનવજાત આ ખોટની ભરપાઈ ક્યારેય કરી શકે એમ નથી.

ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણને કારણે આપણે સામુદ્રિક જૈવવિવિધતા ખોઈ રહ્યા છીએ. 90 ટકાથી પણ વધુ સામુદ્રિક જીવોની પ્રજાતિથી માણસજાત અજાણ છે તે હકીકત છે. હજુ સુધી વૈજ્ઞાનિકો તેનું વર્ગીકરણ સુદ્ધાં નથી કરી શક્યા, વિચાર કરો! માનવનિર્મિત પરિસ્થિતિઓને કારણે હજારો વર્ષોથી સમુદ્રમાં ઉછરી રહેલા જૂજ પ્રજાતિના જીવોની પ્રજાતિ વિલુપ્ત થઈ રહી છે. એવા પ્રકારના રંગસૂત્ર ધરાવતા જીવો કે જે માનવજાતને કેન્સર, એઇડ્સ જેવી બિમારીમાંથી સ્વસ્થ કરવા સક્ષમ છે તે પણ ધીરે ધીરે કાળની ગર્તામાં ખોવાઈ રહ્યા છે. લેબોરેટરીમાં એમના પર વિસ્તૃત સંશોધન કરવાની જૈવ વૈજ્ઞાનિકોની તમન્ના અધૂરી રહી જાય એવી સ્થિતિ નિર્માણ પામી છે.

સમુદ્રમાંથી મળતા સ્પોન્જ ભલભલા ઝેરીલા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પરોપજીવીનો સામનો કરવા માટે સક્ષમ હોય છે તેવું પ્રયોગોમાં સાબિત થયું છે. તેમાંથી બનાવવામાં આવેલી દવા ‘સાયટરાબાઈન’ લ્યુકેમિયા અને લીમ્ફોમિયા સહિતના કેટલાક કેન્સર માટે આશીર્વાદરૂપ પૂરવાર થઈ છે. 1969ની સાલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને પ્રમાણિત કર્યા બાદ આ પ્રકારના કેન્સરના દર્દીઓના બચવાની સંભાવના 10 ટકા થી વધીને 90 ટકા સુધી પહોંચી ગઈ છે. ‘એસાઈ’ નામની દવા સ્તનના કેન્સરમાં કિમોથેરાપી લઈ ચૂકેલી સ્ત્રીના સારવારમાં ઉપયોગી છે. આ ઉદાહરણો તો ઘાસના પૂળામાં સોય બરાબર છે! અસંખ્ય જીવલેણ રોગોમાં સમુદ્રના જીવો માનવશરીરની વહારે આવ્યા છે તે વાસ્તવિકતાને કોઈ નકારી શકે એમ નથી.

હજુ તો 90 ટકા સામુદ્રિક જીવો વિશે બાયોલોજિસ્ટને કોઈ જાણકારી જ નથી. એવામાં તેલ ઢોળાઈ જવાની ઘટનાને કારણે એવા અસંખ્ય જીવો વિલુપ્ત થઈ રહ્યા છે, જે આવનારા ભવિષ્યમાં કદાચ માનવજાતસામે ઊભા થનારા ખતરા ટાળી શકવા સક્ષમ છે! કોરોના જેવા કેટકેટલા પેન્ડેમિકનો સામનો આગામી વર્ષોમાં આપણે કરવા જઈ રહ્યા છે. કેટકેટલા નવા કેન્સર માનવજાત સામે પેદા થવા જઈ રહ્યા છે. કેટકેટલા નવા અજાણ્યા રોગ સાથે આપણો પનારો પાડવા જઈ રહ્યો છે. અંધારામાં ભટકી રહેલી માનવજાત આ બાબતને ગંભીરતાપૂર્વક નહીં લે તો પૃથ્વીના પ્રલય પાછળનું કારણ કુદરતી નહીં, પરંતુ માનવસર્જિત હશે એ નિશ્ચિત છે!

સમુદ્રમાં વહી ગયેલા તેલને સાફ કરવાની મુખ્ય 3 પદ્ધતિઓ
(1) સ્કિમિંગ : તેલ કાંઠા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચીને સમુદ્રના જીવો માટે હાનિકારક સાબિત થાય એ પહેલા તેને સપાટી પરથી સાફ કરવામાં આવે છે, જેથી તેની અસરકારકતા નહીવત થઈ જાય.
(2) સિટુ બર્નિંગ : વહી ગયેલા તેલને સમુદ્રના કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં એકઠું કરી આગ ચાંપવામાં આવે છે.
(3) રાસાયણિક વિસર્જક : સમુદ્રમાં અમુક ખાસ પ્રકારના રસાયણો વહેતા કરી દેવાથી તે તેલના મૂળ ઘટ્ટ બંધારણને તોડી નાના બૂંદમાં ફેરવવાનું કામ કરે છે, જે સમુદ્રના માઈક્રોબ્સ માટે ખોરાક બની જાય છે. રસાયણિક પ્રક્રિયાને કારણે તેલની હાનિકારકતા પણ સાવ ઓછી થઈ જાય છે.

bhattparakh@yahoo.com