newsdog Facebook

નિર્મલા-ગડકરી-ગોયલ હાલ કેમ ચૂપ: મોદી સરકારના ત્રણ મંત્રીઓના ભાવી અંગે પ્રશ્ન

Sanjsamachar 2020-08-19 12:00:00

નવી દિલ્હી: કેન્દ્રની મોદી-ટુ સરકારને પણ એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા શરુ થઈ છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં સતા માટે જે રીતે જયોતિરાદીત્ય સિંધીયાને આગળ ધરીને કોંગ્રેસની સરકાર ઉથલાવી ભાજપ સરકાર બતાવાઈ છે તે પછી સિંધીયા જુનીયરને કેન્દ્રમાં મંત્રી બનાવવા રાજયસભામાં ચુંટાઈને લવાયા તેઓ હવે રાષ્ટ્રપતિ ભવનના તેડાની રાહમાં છે.

તે વચ્ચે મોદી સરકારમાં એક સમયે લાઈમ લાઈટમાં રહેતા મંત્રીઓ જાહેરમાંથી અદ્રશ્ય થવા લાગતા ચર્ચા જાગી છે. ખાસ કરીને નાણામંત્રી નિર્મલા સીતારામન જેઓની સામે અનેક વખત પ્રશ્નો ઉભા થયા છે. તેઓને એક બાજુ રાખી વડાપ્રધાને આર્થિક બાબતો અંગે બેઠકોનો દૌર ચલાવ્યો હતો. તેઓ હવે નૈપથ્યમાં ધકેલાયા છે અને મોટી કોઈ આર્થિક ટેલન્ટની શોધમાં હોવાની ચર્ચા છે.

તો બીજી તરફ ‘બહુ બોલકા’ સાબીત થયેલા માર્ગ-વ્યવહાર મંત્રી નીતીન ગડકરી ઓચીંતા ‘ચૂપ’ થઈ ગયા છે. ગડકરીની કેટલીક ‘આખાબોલી’ સ્ટાઈલથી સરકાર સામે જ પ્રશ્નો ઉઠયા છે. જો કે તેઓ પોતાના મંત્રાલયમાં ‘સક્ષમ’ સાબીત થયા છે. પરંતુ તે એક લાયકાત પુરતી નથી તે વાસ્તવિકતા છે. આવી જ રીતે રેલવેમંત્રી પીયુષ ગોયલ પણ હાલ લાઈમ લાઈટમાં નથી.

કોરોના કાળમાં રેલવે ભાડાનો જે વિશ્વાસ સર્જાયો તેનાથી સરકારને ખુલાસા પર ખુલાસા કરવા પડયા હતા અને અંતે તો જાહેર થયું કે રેલવેએ કામદારોની પિડામાંથી આ ‘નફો’ કર્યો છે. ચર્ચા એ છે કે જે.પી.નડ્ડા જેઓ રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ તેમનું નવું સંગઠન માળખુ રચવા માંગે છે. તેઓએ મંત્રીમંડળમાંથી ચહેરાની માંગ કરી છે. નિર્મલા સીતારામન અગાઉ ભાજપના પ્રવકતા રહી ચૂકયા છે પણ તેની સંગઠન ક્ષમતા અંગે પ્રશ્ન છે.

નીતીન ગડકરી તો ભાજપ પ્રમુખ રહી ચૂકયા છે અને તેની સંગઠનમાં તેમને ઓછું પદ સ્વીકાર્ય ન હોય અને પમુખપદે તો નડ્ડા હાલમાં જ આવ્યા છે તો પિયુષ ગોયલને સંગઠનમાં અજમાવવા કે કેમ તે પ્રશ્ન છે અને આ ત્રણ ચહેરાને બાદ કરો તો મોદી સરકારમાં ટેલન્ટની વધુ કમી ઉભી થાય પણ જે રીતે આ નેતાઓ હાલ જાહેરમાં નથી અથવા મોદી દ્વારા નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે તેથી તેમના ભાવિ અંગે ચર્ચા ચાલુ છે.