newsdog Facebook

સુમુલ ડેરીની ચૂંટણી- સંદિપ દેસાઇ સાથે રાજુ પાઠકની નાવને ડૂબતી કોણ બચાવશે

Vartman News 2020-08-04 20:02:32

સુરત-4-8-2020

હાલમાં સુરત શહેર જિલ્લામાં દક્ષિણ ગુજરાતની સૌથી મોટી દૂધ ડેરી સુમુલ ડેરીની આગામી તારીખ 7 ઓગસ્ટે યોજાનારી ચૂંટણીને લઇને રમાતું રાજકારણ ચરમ સીમા પર પહોંચ્યુ છે. ભાજપના જ બે જૂથ વચ્ચેની આ લડાઇમાં વર્તમાન ચેરમેન રાજુ દેસાઇ અને અને તેમની સાથે વગર ટિકીટે ટ્રેનમાં બેસી ગયેલા સંદિપ દેસાઇ કેન્દ્ર સ્થાને આવી ગયા છે. સહકાર પેનલના માનસિંહ પટેલ મહુવા બેઠક પરથી ચૂંટણી જીતી ન શકે તેના પાસા ફેંકાયા છે અને એવી બાજી ગોઠવાઇ છે કે, માનસિંહ પટેલ સુમુલમાં એન્ટર જ ન થઇ શકે. બીજી તરફ બહુતુલ આદિવાસી દૂધ સપ્લાયરો પોતાના નેતાને ચેરમેન પદ પર જોવા માટે તત્પર બન્યા છે.

ખાસ કરીને એપીએમસી માર્કેટ થઇ વાયા જિલ્લા સહકારી બેન્ક અને હવે સુમુલ ડેરીની મલાઇ ઉતારવા માટે સંદિપ દેસાઇ મેદાનમાં ઉતરતા જ યુવા ભાજપના જિલ્લાના નેતાઓ એવુ કહેતા થઇ ગયા છે કે, એક જ વ્યક્તિને કેટલા હોદા પર ગોઠવવાના છે અને જે દિવસ રાત પક્ષ માટે કામ કરે છે તેમનું શું.

ખાસ કરીને સુમુલ ડેરીમાં વિતેલા વર્ષોમાં થયેલા કરોડો રૂપિયાના વહીવટ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી ફરિયાદો પહોંચી છે. નવસારીના સાંસદ સી આર પાટીલની ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થતા માજી પ્રમુખ જીતુ વાઘાણી કે જેઓ રાજુ પાઠકની બ્રીફ લઇને ચાલતા હતા તે દાવ ઉંધો પડી ગયો છે. ભાજપના સંગઠનમાં આ બે ઉમેદવારોને કારણે ફાડચા થયા છે. ભાજપના જ અગ્રણી કાર્યકરો એવુ કહી રહ્યા છે કે, સંદિપ દેસાઇ આ વખતેની ચૂંટણીમાં રાજુ પાઠકની નાવ ડૂબાડશે અને તેના કારણે સુમુલના વહીવટમાં મોટા ફેરફારો આવશે. જે સરવાળે તો છેવાડાના આદિવાસીઓને માટે લાભ કારક રહેશે.

આજે મહુવામાં રાજુ પાઠકનું પુતળું સળગાવી હાય હાય બોલાવાઇ

મહુવામાં ચૂંટણી પ્રચારનો દૌર એક દમ જોરશોરમાં ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક મતદારોએ મહુવાના ચોકમાં રાજુ પાઠકનું પુતળું બાળ્યું હતું. તેમજ તેમના નામની હાય હાય બોલાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સામાન્ય મતદારોનો રોષ આ ઘટના પરથી ખ્યાલ આવી શકે છે. જે પ્રકારે મતદારોમાં રોષ છે એ જોતા રાજુ પાઠકની નાવને ડૂબતી કોણ બચાવશે એ સવાલ હવે લોકોમાં ચર્ચાતો થઇ ગયો છે.