newsdog Facebook

પ્રદ્યુમન પાર્કના રસ્તે 600 મકાનના ડિમોલીશન કરી આવાસ આપવા નિર્ણય

Sanjsamachar 2019-12-11 07:03:00

રાજકોટ તા.11
રાજકોટ મહાપાલિકા દ્વારા પૂર્વ ઝોનના છેડે પ્રદ્યુમન પાર્કના વિશાળ રસ્તે રહેલા દબાણો હટાવીને બદલામાં આવસ આપવાનો નિર્ણય અંતે લઈ લેવામાં આવ્યો છે. વર્ષો પહેલા વિકલ્પના અભાવે થયેલા વિરોધના કારણે પડતા મુકાયેલા કામને હવે મનપાએ હાથ પર લઈ ત્રણ વિસ્તારના 600 જેટલા કાચા પાકા ગેરકાયદે મકાનો દુર કરી તેની જગ્યાએ અલગ અલગ આવાસ યોજનામાં આસામીઓને ફલેટ આપી દેવા નીતિ નકકી કરવામાં આવી છે.
બે દિવસથી મનપાના ટીપી અને આવાસ વિભાગની ટીમો વોર્ડ નં.5ના પ્રદ્યુમન પાર્કને લાગુ મંછાનગર, સાગર નગર, અને બેટદ્વારકા વિસ્તારમાં કેમ્પ કરી રહી છે. દબાણ વાળા પરિવારોના જુદા જુદા દસ્તાવેજો સાથે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ મકાનો ખાલી થાય એટલે એક હાથે મનપા જગ્યા સંભાળે અને બીજા હાથે આવાસની ચાવી આપી દે તે વાત પર મોટા ભાગના પરિવારો તૈયાર થઈ ગયાનું બહાર આવ્યું છે.
મહાપાલિકાના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પ્રદ્યુમન પાર્કના રસ્તે ઉપરોકત ત્રણ વિસ્તારને લાગુ 600 જેટલા કાચા પાકા મકાન રહેલા છે. રાંદરડા લેક ડેવલપમેન્ટ પ્રોજેકટ શરૂ કરતા પૂર્વે આ દબાણો ખાલી થાય તે ખુબ જરૂરી છે. આથી વર્ષો અગાઉના વિરોધને ધ્યાનમાં રાખી નદીકાંઠાના લોકોને જે રીતે મકાન ખાલી કરવાના બદલામાં આવાસ આપવામાં આવે છે તે રીતે આ પરિવારોને પણ ફલેટ આપવા નકકી કરીને તાજેતરમાં ફરી નોટીસ આપવામાં આવી હતી. બાદમાં બે દિવસથી વિસ્તારમાં માર્કીંગ કરીને કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.
મંછાનગરમાં રહેતા દિનેશભાઈ નામના આસામીએ કહ્યું હતું કે ગઈકાલે વિસ્તારના લોકોની મીટીંગ મળી હતી. અહીં 280 જેટલા મકાન છે. તંત્રએ આવાસ આપવાની વાત કરી છે એટલે હવે જગ્યા ખાલી કરવાનો વિરોધ નથી પરંતુ તેમને નજીક પડે ત્યાં આવાસ મળે એવી વિસ્તારના લોકોની લાગણી છે.
બાજુમાં જ સાગરનગર અને બેટદ્વારકા વિસ્તાર આવેલો છે. ત્યાં પણ સાડા ત્રણ સો જેટલા મકાનો રહેલા છે. આ તમામને આવાસ યોજનામાં સામેલ કરવા વહીવટી અને શાસક પાંખે સંકલન કરી લીધુ છે. જો કે વિસ્તારના ઘણા લોકો હજુ મનપામાં રજૂઆત કરવાના છે. છતા આ તમામ વિસ્તારોમાં ટીપી અને આવાસ વિભાગના કર્મચારીઓ આસામીઓના દસ્તાવેજો એકત્ર કરી રહ્યા છે. જે બાદ લાભાર્થીઓનું લીસ્ટ બનાવવામાં આવશે. વધુમાં હાલ પોપટપરામાં રહેલા 200થી વધુ આવાસ, માર્કેટ યાર્ડના પુલ પાસેની આવાસ યોજના અને ભગવતીપરાની આવાસ યોજનામાં તમામ લાભાર્થીને સમાવવા આયોજન છે. 6 લાખનો ફલેટ લાભાર્થીને 1 લાખમાં આપવામાં આવશે તેમાં પણ સમાજ કલ્યાણ વિભાગનો દાખલો હોય તેમને 90 હજાર સબસીડી મળશે.
એક રીતે આ વખતે દબાણગ્રસ્ત આસામી મકાન સોંપે અને બીજા હાથમાં ફલેટની ચાવી સોંપવામાં આવે તે રીતેની "સેઈફ” નીતિ મહાપાલિકાએ અપનાવતા કોર્પો.ના ચૂંટણી વર્ષમાં જ આ યોજના અને ડિમોલીશન થઈ જાય તેવી હાલ ધારણા છે.

રાંદરડા તળાવે બ્યુટીફીકેશન માટે એજન્સી રોકાઈ ગઈ..
પ્રદ્યુમન પાર્ક બાદ રાંદરડા તળાવને મહાપાલિકા બ્યુટીફુલ બનાવવાની છે. તેના ભાગ રૂપે જ આ રોડ પહોળો કરવા જુના મકાનો ખસેડવાના છે.
રાંદરડા તળાવ મનપા હસ્તક છે અને લાલપરી સરકારની માલીકીનું છે. રાંદરડામાં બોટીંગ, ગાર્ડન સહિતના નવા બ્યુટીફીકેશન માટે મોટી યોજના કોર્પો.એ તૈયાર કરી છે. બન્ને તળાવ સાથે વિકસે તો પૂર્વ રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક જેવું જ નઝરાણું મળવાનું છે. કુલ કેટલી જગ્યા ખાલી થશે અને પ્રોજેકટ માટે કેટલી જગ્યા મળશે તેનો અંદાજ મળે તે સાથે એજન્સી બ્યુટીફીકેશનની ડિઝાઈન બનાવવાનું કામ શરૂ કરી દેનાર છે.