newsdog Facebook

ડેંગ્યુના માત્ર 21 કેસો : રોગચાળાનાં કુલ 813 કેસો

Sanjsamachar 2019-12-11 06:47:00

રાજકોટ તા.11
રાજકોટ શહેરમાં શિયાળાની શરૂઆત થતાં જ ખતરનાક ડેંગ્યુ તાવનાં કેસોમાં ઘટાડો નોંધાયો છે અને સામાન્ય શરદી-ઉધરસ-તાવનાં કેસોમાં થોડો વધારો નોંધાયો છે.
આ અંગેની રાજકોટ મનપાનાં આરોગ્ય શાખાનાં સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ છેલ્લા એક સપ્તાહ દરમ્યાન રાજકોટમાં હાહાકાર સર્જનાર ડેંગ્યુ તાવનાં કેસો પ્રમાણમાં ઘટયા છે અને સપ્તાહ દરમ્યાન ડેંગ્યુનાં 21 કેસો આરોગ્ય શાખાનાં ચોપડે નોંધાયા છે.
આ ઉપરાંત શિયાળાનાં પગલે સામાન્ય શરદી-ઉધરસ-તાવનાં કેસો સપ્તાહ દરમ્યાન 382 નોંધાયા છે અને ઝાડા-ઉલ્ટીનાં 363 કેસો નોંધાયા છે. જયારે ઝાડા-ઉલ્ટીનાં 2, મરડાનાં 9, અન્ય તાવનાં 34 અને મેલેરીયાનાં 2 કેસો નોંધવામાં આવેલ છે.
આ ઉપરાંત મનપાએ છેલ્લા એક સપ્તાહ દરમ્યાન મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે 23099 ઘરોનો સર્વે કરેલ હતો અને 4995-ઘરોમાં ફોગીંગ કરાયું હતું. જયારે ઠેર-ઠેર મચ્છર ઉત્પાદન બદલ 137 સ્થળોએ નોટીસો અપાઇ હતી.
દરમ્યાન ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ફૂડ શાખાએ રેંકડી-દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી સહિત 125 વેપારીઓને ત્યાં ચેકીંગ કરેલ હતું અને 49 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો અને 19 વેપારીઓને નોટીસો આપી હતી. તેમજ ખાદ્યચીજોનાં 6 સેમ્પલો લેવામાં આવેલ હતાં.