newsdog Facebook

ગીતગુર્જરી સોસાયટીમાં આરટીઓ ઇન્સ્પેક્ટરનાં મકાનમાંથી રિવોલ્વર અને સોનાનાં દાગીનાની તસ્કરી

Sanjsamachar 2019-12-11 06:47:00

રાકજોટ,તા. 11
રાજકોટની ગીતગુર્જરી સોસાયટીમાં રહેતા આરટીઓ ઇન્સ્પેક્ટરનાં મકાનમાં તસ્કરો ત્રાટકતાં મકાનમાંથી રિવોલ્વર, કાર્ટીસ અને સોનાનાં દાગીના સહિત રુા. 1.45 લાખની તસ્કરી થયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ છે. આ અંગે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગીતગુર્જરી સોસાયટીમાં ‘મંજુલ’ મકાનમાં રહેતા અને અમદાવાદમાં આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં અમરભાઈ જયંતકુમાર વ્યાસ (ઉ.30)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પરિવાર સાથે રાજકોટ રહે છે. અમરભાઈ અમદાવાદમાં (મોટર વાહન નિરીક્ષક) આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં જ તા. 5-12નાં રોજ તેઓની સાણંદથી અમદાવાદ બદલી થઇ હતી.જેથી અમદાવાદ રહેવા જવું પડ્યું હતું. પરિવાર રાજકોટ રહે છે.

અમરભાઈનાં પત્ની અને તેનું એક માસનું બાળક અન્ે સાસુ વિણાબેન તેઓ ત્રણેય રાજકોટ રહેતા હોય ત્યાં ઘરકામમાં ઘરે હિનાબેન આવે છે. અમરભાઈ તા. 7-12નાં રોજ અમદાવાદથી રાજકોટ ઘરે આવ્યા અને તા. 9-12નાં રોજ અમદાવાદ જતા રહ્યા હતાં. પોતે સ્વરક્ષણ માટે એક રિવોલ્વર (ખાનગી) તેનું લાયસન્સ અને તેમાં રહેલ 25 કાર્ટીસ પણ હતાં તે રાજકોટનાં ઘરે મુક્યા હતાં. પત્ની અને બાળક ઘરે તાળું મારી સાસુનાં ઘરે ગયા અને બીજા દિેવસે સવારે પત્નીનો ફોન અમરભાઈ પર જતાં કહ્યું હતું કે, કામવાળા બેને જણાવ્યું કે ઘરના અને ડેલીનાં તાળા તૂટેલી હાલતમાં હતાં તેમજ તિજોરીનું તાળું પણ તૂટેલું અને ઘરનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.

ત્યારબાદ ઘરમાં તપાસ કરતાં રિવોલ્વર અને કાર્ટીસ રુા. 75 હજાર, સોનાનું મંગળસૂત્ર, બ્રેસલેટ, બે લેપટોપ સહિત રુા. 1.45 લાખની ચોરી થયાની માલુમ પડી હતી.
આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.આઈ. કે.એ.વાળાની રાહબરીમાં પીએસઆઈ એમ.બી. જેબલીયા, રશ્મીનભાઈ પટેલ સહિતનાં સ્ટાફે નજીક સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે.