newsdog Facebook

દેશભરમાં ઊર્જા ક્ષેત્રે થયેલા નવતર આયામોનું કેવડિયા ખાતે મનોમંથન થશે

Gujarati News 18 2019-10-09 15:35:18
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: ઉર્જામંત્રી સૌરભ પટેલે (Saurabh Patel) જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના ઊર્જા અને બિન પરંપરાગત ઊર્જા વિભાગ તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 11 અને 12 ઑકટોબર-2019 દરમિયાન સરદાર સરોવર ડેમ, કેવડીયા (Kevadia) ખાતે બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ઊર્જા કોન્ફરન્સ યોજાશે.

પટેલે ઊમેર્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સરદાર સરોવર ડેમ (Narmada Dam)  ખાતે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity) ની પ્રતિમાનું નિર્માણ કરીને કેવડિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કર્યું છે ત્યારે આવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ છે,”.
તેમણે કહ્યું કે, આ રાષ્ટ્રીય કોન્ફરન્સને કેન્દ્રના ઊર્જા મંત્રી આર. કે. સિંગ તારીખ 11મી ઑકટોબરે ખુલ્લી મુકશે. જેમાં દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઊર્જા મંત્રીઓ, ઊર્જા સચિવઓ તથા ઊર્જા વિતરણ અંગે કામ કરતી એન.ટી.પી.સી., પાવર ગ્રીડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા, પી.એફ.સી., આર.ઈ.સી., એન.એચ.પી.સી. જેવી વિવિધ કંપનીઓના મેનેજીંગ ડીરેકટરો, ચેરમેનો ઉપસ્થિત રહેવાના છે.આ બે દિવસીય કોન્ફરન્સમાં પ્રથમ દિવસે પુનઃપ્રાપ્ય ઊર્જા (રીન્યુએબલ એનર્જી), પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણ, સોલાર રૂફટોપ, સરહદી વિસ્તારોમાં રીન્યુએબલ એનર્જીના વિકાસ કાર્યક્રમો, અલ્ટ્રા મેગા રીન્યુએબલ એનર્જી પાર્કસની સ્થાપના સંદર્ભે, ઈઝ-ઑફ-ડુઈંગ બિઝનેસ અંતર્ગત સોલાર અને વિન્ડ પાવર સંદર્ભે હાથ ધરાનાર વિવિધ પ્રોજેકટ સંદર્ભે જમીન ફાળવણી સહિતના આનુસાંગિક કામો તથા રેગ્યુલેટરી ઈશ્યુ સંદર્ભે ચર્ચા-વિચારણા કરાશે.

સૌરભ પટેલે જણાવ્યું કે, કોન્ફરન્સના બીજા દિવસે ગુજરાત છેલ્લા 10 વર્ષથી ઊર્જાના તમામ ક્ષેત્રોમાં દેશમાં નંબર-1 બન્યું છે તે સંદર્ભે વિવિધ રાજ્યોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી વિગતો પુરી પાડવામાં આવશે સાથે સાથે ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાના માધ્યમ દ્વારા તમામ ગામડાઓમાં 24 કલાક વીજળી પુરી પાડી દેશનું રોલ મોડલ બન્યું છે તેજ રીતે વિવિધ રાજ્યોમાં 24 કલાક ગુણવત્તાયુક્ત વીજળી અવિરતપણે કેવી રીતે પહોંચાડી શકાય તે સંદર્ભે પણ તજજ્ઞો સહિત પદાધિકારીઓ દ્વારા વિચાર વિમર્શ કરાશે ઉપરાંત આજ દિવસે ટ્રાન્સમિશન, થર્મલ, એનર્જી કન્ઝરર્વેશન, ઈન્ફોર્મેશન ટેકનોલોજી સહિતના વિષયોનો ઊર્જા ક્ષેત્રે કઈ રીતે ઉપયોગ થઈ શકે તે અંગે પણ ચર્ચા-વિચારણા કરાશે.