newsdog Facebook

મગફળી મબલખ પાકશેઃ લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી

Akila News 2019-09-11 00:00:00

રાજકોટ, તા. ૧૦ :. રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આધુનિક ટેકનોલોજી આધારીત વ્યવસ્થાથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની તૈયારી થઈ રહી છે. રાજ્ય સરકારે આ કામગીરી કરવા માટે નાગરિક પુરવઠા નિગમને નિર્દેશ આપી દીધો છે. ગયા વર્ષે કેન્દ્રએ રૂ. ૯૫૦ ટેકાનો ભાવ જાહેર કરેલ. આ વખતે રૂ. ૧૦૦૦ ભાવ જાહેર કર્યાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર તેમા પોતાનુ બોનસ ઉમેરે તેવી ખેડૂતોને આશા છે. આ વખતે માગ્યા મેહ વરસ્યા હોવાથી મગફળીનો પાક પુષ્કળ થાય તેવા અત્યારના સંજોગો છે. મગફળીની મોટી આવકની સંભાવનાને ધ્યાને રાખીને સરકારે ટેકાના ભાવે ખરીદીની તૈયારી શરૂ કરી છે. નવેમ્બરના પહેલા અઠવાડીયામાં સંભવત લાભ પાંચમથી અથવા તેની એકદમ નજીકના દિવસથી સરકાર મગફળીની ખરીદી શરૂ કરવા માગે છે.


ગયા વર્ષે ગણ્યાગાઠ્યા કેન્દ્રો પર ગેરરીતિની ફરીયાદ આવેલ તે નિવારવા માટે અગાઉના અનુભવ આધારીત વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. તમામ કેન્દ્રો પર વિડીયોગ્રાફી કરવામાં આવશે. ગયા વખતે બારદાનની સાઈઝ અલગ અલગ હોવાથી મગફળીના વજન બાબતે પ્રશ્નો સર્જાયેલ તેથી આ વખતે સરકાર અગાઉથી જ પુરતા જથ્થામાં એક સરખા બારદાન ખરીદી લેવા માગે છે. મગફળીની ખરીદી લાભ પાંચમ કે તેની આસપાસથી શરૂ થશે પરંતુ ખેડૂતો માટે નામ નોંધણી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. ગયા વર્ષે સરકારે લાભ પાંચમથી શરૂ કરેલી ખરીદી ત્રણેક મહિના ચલાવી હતી. આ વખતે નામ નોંધણી વહેલી કરવાથી સરકારને વ્યવસ્થા કરવાનો અંદાજ આવશે. બજારમાં મગફળીની ઉપજ નવરાત્રી વખતથી આવવા લાગે તેવી ધારણા છે.