newsdog Facebook

સુરક્ષાને લઇ રાજ્યની પોલીસને પેટ્રોલિંગ સમયે હથિયાર સાથે રાખવાની સુચના અપાઈ

Khabarchhe 2019-08-13 00:00:00

કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરવામાં આવતા અને 15 ઓગસ્ટને લઇને ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઇને ગુજરાતમાં પોલીસ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે, કોઈપણ જગ્યા પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરતી વખતે પોતાનું હથિયાર તેમની સાથે રાખવું. આ ઉપરાંત રાજ્યમાં જેટલા પણ પોલીસ અધિકારી કે કોન્સ્ટેબલને હથિયાર આપવામાં આવ્યા છે. તે તમામના હથિયારોની ચકાસણી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. આ ચકાસણી દરમિયાન કોઈપણ હથિયાર ખરાબ જણાય તો તેને જમા કરાવવાની પણ સુચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આતંકીઓ દ્વારા દરિયાઈ માર્ગ પરથી હુમલો કરવામાં આવી શકે છે. તેવા મેસેજના પગલે પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ગુજરાત 1600 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર ધરાવે છે. દરિયાઈ વિસ્તાર ઉપરાંત ગુજરાતના અલગ-અલગ રસ્તા પર અને બોર્ડર વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોઈ પણ અજાણ્યા વાહન કે વ્યક્તિ પર પોલીસને શંકા જણાય તો તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના ધાર્મિક સ્થળો પર પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લેતાની સાથે રાજ્ય પોલીસ વડા દ્વારા આદેશો આપવામાં આવ્યા હતા કે, સુરક્ષાના તમામ પગલાં પોલીસ દ્વારા ભરવામાં આવે અને અસરગ્રસ્ત વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે. ત્યારે હવે 15 ઓગસ્ટ નજીક આવતા આતંકી હુમલાના ઈનપુટ મળતા ગુજરાત પોલીસને એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઇને પોલીસ દ્વારા દિન-પ્રતિદિન સુરક્ષા વ્યસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે.