newsdog Facebook

વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયા બહાર, યજમાન પહોંચ્યું ફાઇનલમાં

Zee News Gujarati 2019-07-11 21:48:37
ફોટો સાભાર (@cricketworldcup)

બર્મિંઘમઃ એજબેસ્ટનના ગ્રાઉન્ડ પર આઈસીસી વિશ્વકપ-2019ની બીજી સેમિફાઇનલમાં પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને યજમાન ઈંગ્લેન્ડ આમને-સામને છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 49 ઓવરમાં 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે અને ઈંગ્લેન્ડને ફાઇનલમાં પહોંચવા માટે 224 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 85 રન ફટકાર્યા હતા. તો ઈંગ્લેન્ડ તરફથી વોક્સ અને રાશિદે 3-3 વિકેટ ઝડપી હતી. આ સિવાય જોફ્રાને એક સફળતા મળી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 10 ઓવરમાં વિના વિકેટે 50 રન બનાવી લીધા છે. 

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ, બંન્ને ઓપનર આઉટ
ઓસ્ટ્રેલિયાને બીજી ઓવરના પ્રથમ બોલ પર ઝટકો લાગ્યો હતો. જોફ્રા આર્ચરની ઓવરમાં એરોન ફિન્ચ (0) રન બનાવી LBW આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિસ વોક્સે ડેવિડ વોર્નર (9)ને સ્લિપમાં બેયરસ્ટોના હાથે કેચઆઉટ કરાવીને કાંગારૂ ટીમને બીજો ઝટકો આપ્યો હતો. પીટર હૈંડ્સકોમ્બ (4)ને ક્રિસ વોક્સે બોલ્ડ કર્યો હતો. 

સ્મિથ-એલેક્સ કેરી વચ્ચે 103 રનની ભાગીદારી
ઓસ્ટ્રેલિયાએ 14 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીએ ચોથી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 117 રન હતો ત્યારે એલેક્સ કેરી (46) રન બનાવી આદિલ રાશિદનો શિકાર બન્યો હતો. સિક્સ ફટકારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર કેચાઉટ થયો હતો. આજ ઓવરમાં રાશિદે માર્કસ સ્ટોઇનિસ (0)ને LBW આઉટ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

સ્ટીવ સ્મિથના લડાયક 85 રન
સ્ટિવ સ્મિથે ફરી વિશ્વકપ નોકઆઉટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. સ્મિથે 119 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા સાથે 85 રન બનાવ્યા હતા. તે રનઆઉટ થયો હતો. મહત્વનું છે કે, વિશ્વ કપ નોકઆઉટ મેચમાં આ સ્મિથની સતત ચોથી અડધી સદી છે. 2015ના વિશ્વકપમાં ક્વાર્ટર ફાઇનલમાં તેણે અડધી સદી ફટકારી હતી. તો સેમિફાઇનલમાં ભારત સામે સદી અને ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે અડધી સદી ફટકારી હતી. 

સ્ટોઇનિસ-મેક્સવેલ ફરી ફેલ
વિશ્વકપમાં ગ્લેન મેક્સવેલનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. તે આજે પણ ટીમને જરૂર હતી ત્યારે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. મેક્સવેલ (22) રન બનાવી જોફ્રાનો શિકાર બન્યો હતો. પેટ કમિન્સ (6)ને રાશિદે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. મિશેલ સ્ટાર્કે છેલ્લે શાનદાર બેટિંગ કરતા 29 રન બનાવ્યા અને અને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 200ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

પ્લેઇંગ ઇલેવન
ઓસ્ટ્રેલિયાઃ ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ, પીટર હૈંડ્સકોમ્બ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જેસન બેહરેનડોર્ફ, નાથન લાયન. 

ઈંગ્લેન્ડઃ જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, જોફ્રા આર્ચર, માર્ક વુડ.