newsdog Facebook

રફાલ સોદાના ગુપ્ત દસ્તાવેજો જાહેર કેમ થયા એની

Janmabhoomi Newspapers 2019-05-15 02:01:14

રફાલ સોદાના ગુપ્ત દસ્તાવેજો જાહેર કેમ થયા એની

આંતરિક તપાસ થઈ રહી છે
'
મુંબઈ, તા.14 (પીટીઆઇ) : ફ્રાન્સ સાથેના યુદ્ધ વિમાન રફાલના સોદાની ગુપ્ત માહિતીઓ જાહેર કઇ રીતે થઇ તેની આંતરીક તપાસના આદેશ અપાયા હોવાનું સંરક્ષણ મંત્રાલયે માહિતી અધિકાર (આરટીઆઇ) કાનૂન અંતર્ગતની એક અરજીનાં જવાબમાં જણાવ્યું હતું. મુંબઈના આરટીઆઇ ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આરટીઆઇ ઍક્ટ અંતર્ગત અરજી કરીને રફાલ વિમાનના સોદાની વિગતોની ફાઇલો કથિતરૂપે ચોરી થયા બાદ સંરક્ષણ મંત્રાલયે શું પગલાં લીધા તેની માહિતી માગી હતી.'
ગલગલીએ એવો સવાલ પણ પુછ્યો હતો કે રફાલ સોદાની ફાઇલોની ચોરીની જાણકારી વડા પ્રધાન કાર્યાલય અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમન પાસે હતી ખરી? જો આવી ખબર હતી તો આ ચોરી વિશે કોઇ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે કેમ? આવા સવાલોના જવાબમાં ઍર એક્વિઝિશન વિભાગના નાયબ સચિવ અને ઍર એક્વિઝિશન (કૅપિટલ) વિંગના સીપીઆઇઓ સુશિલ કુમારે જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયે આંતરિક તપાસના આદેશો આપ્યા હતા.
સાતમી મેના અરજીના જવાબમાં કુમારે જણાવ્યું હતું કે ગુપ્ત સત્તાવાર માહિતી જાહેરમાં લાવવી અને મેન્યુઅલ અૉફ સિક્યોરિટી ઇન્સ્ટ્રક્શન્સના ભંગ બદલ સંરક્ષણ મંત્રાલયની (સિક્યોરિટી અૉફિસ)એ આંતરિક તપાસના આદેશો આપ્યા હતા.
ગલગલીએ આ વિશે આપેલી પ્રતિક્રિયામાં કહ્યું હતું કે હાલમાં આ કેસ અદાલતમાં ચાલી રહ્યો હોવાથી કદાચ સરકારે સઘળી માહિતી નથી આપી, પરંતુ સરકાર આ મુદ્દે આગળ આવીને રફાલ સોદા અંગેની શંકા-કુશંકાઓ દૂર કરે એ માટેનો આ યોગ્ય સમય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ઍટર્ની જનરલ કે કે વેણુગોપાલે માર્ચમાં જણાવ્યું હતું કે રફાલ સોદાના કોઇ દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયમાંથી નથી ચોરાયા તેથી કોર્ટે અગાઉ આ મામલે જે ચૂકાદો આપેલો છે તેમાં મુકાયેલા અસલી દસ્તાવેજોની ફોટોકોપીના આધારે ચૂકાદાની પુનર્સમિક્ષા કરવાની અરજી કરવામાં આવી હતી.