newsdog Facebook

સુરેન્દ્રનગરમાં લીલા તોરણે જાન પરત ફરી! કારણ છે ચોંકાવનારુ

Sandesh 2019-05-14 08:51:00

કેટલાંક સમાજમાં હજુ પણ કાયદાકીય રીતે નિયત કરેલ વય કરતા ઓછી ઉંમરે લગ્ન કરી બાળ લગ્ન પ્રતિબંધક ધારાનો ભંગ કરતા હોવાના કિસ્સા જોવા મળે છે. લગ્નસરાની સિઝન દરમિયાન સુરેન્દ્રનગર ઉદ્યોગનગર વિસ્તારમાં મંગળવારે એક પરિવાર દ્વારા બાળ લગ્ન થઈ રહ્યાની પોલીસ કંટ્રોલ અને સમાજ સુરક્ષા વિભાગને ટેલિફોનીક જાણકારી મળી હતી. આથી બી-ડીવીઝન પોલીસ કાફલો અને મહિલા હેલ્પ લાઈનની ટીમ સાથે જુદા-જુદા 4 વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ કર્યુ હતુ. ચેકીંગ દરમિયાન બાળ લગ્ન અધિનિયમ-2006 નો કન્યા પક્ષ દ્વારા ભંગ થતો હોવાનું ખુલવા પામતા આ લગ્ન અટકાવી દીધા હતા.

આ અંગેની પ્રાપ્ય વિગતો મુજબ હાલ લગ્નસરાની સિઝન દરમિયાન સુરેન્દ્રનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં વાંકાનેર તાબાના તરકીયા ગામેથી મંગળવારે જાન પરણવા આવી હતી. પરંતુ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અંતર્ગત યુવકની ઉંમર ર૧ વર્ષ અને કન્યાની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ. પરંતુ આ લગ્નના કિસ્સામાં કન્યાની ઉંમર ઓછી જણાતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એન.મકવાણા, અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકાને ટેલિફોનીક માહિતી મળી હતી.

આથી આ હકીકતની પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવતા બાળ સુરક્ષા વિભાગના જે.કે.ચૌહાણ, વિપુલભાઈ ડોરીયા, તથા બી-ડીવીઝન પોલીસ મથકના જયદીપસિંહ રાઠોડ અને 181 મહિલા હેલ્પ લાઈનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ કરતા કન્યાની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોવાનું જણાયુ હતુ. આથી સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષાના અધિકારીઓએ કન્યાના માતા-પિતા પાસેથી લેખિત બાંહેધરી લઈને આ લગ્ન અટકાવી દેવાતા રંગમાં ભંગ પડયો હતો. બીજી બાજુ વાંકાનેરના તરકીયા ગામેથી આવેલ જાન લીલા તોરણે પાછી ફરી હતી. આમ, તંત્રની સજાગતાના કારણે બાળ લગ્નના દુષણને અટકાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન