newsdog Facebook

૯ દિવસમાં ફરી પાછો આવશે નહેરૂ કાળ, લાઇમ લાઇટમાં પાછા ફરેલા કોંગ્રેસી બોલ્યા હું ઉલ્લુ છું પણ.....

GSTV 2019-05-14 18:02:53

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાની નીચ ઇન્સાનવાળી ટિપ્પણીને લઇ અખબારોના મુખ્ય સમાચારોમાં છવાઇ ગયેલા કોંગ્રેસ નેતા મણીશંકર ઐયરે એવો દાવો કર્યો છે કે ૯ દિવસમાં જ સરકાર બદલાઇ જશે. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે મારી વાતોને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે કારણ કે કેટલાક લોકો મને નફરત કરે છે. જેમાં ઐયરે પત્રકારોને મધમાખીની ઉપમા આપી કહયું કે આજે મને બરબાદ કરીને તેઓ કાલે કોઇ અલગ ફૂલ પાસે પહોંચી જશે.

ત્યારે તેમણે સિમલામાં વિતાવેલા બાળપણને યાદ કરતા મણીશંકર કહે છે કે હું છ  વર્ષનો હતો ત્યારે જવાહરલાલ વડાપ્રધાન બન્યા હતા અને જયારે તેમનું અવસાન થયું ત્યારે હું ર૩ વર્ષનો હતો.હું પણ આવા જ રાજકીય વાતાવરણમાં મોટો થયો છું. જે રાજકીય ભાષા છે એને તો મે વર્ષોથી શીખી લીધી છે.

જવાહરલાલ નહેરૂ અને હાલની સરકારની કોઇ તુલના જ ન કરી શકાય. તેમણે જે માહોલ ઉભો કર્યો હતો તેની તો કલ્પના જ કરવી રહી.મને આશા છે કે ૯ દિવસમાં જ સરકાર બદલાઇ જશે અને આપણે ફરી પંડિત નહેરૂની વાત સુધી પહોંચી જશું. કોંગ્રેસ નેતા કહે છે કે આજે હાલત એવી છે કે મિડીયાનો મોટો ભાગ સત્તાધારી પક્ષ આગળ દબાઇ ગયો છે.હું બહુ જ સાવધ રહું છું કારણ કે હું અગાઉ શિકાર બની ચુકયો છું અને મને બહુ નુકસાન પહોંચાડયું છે. જે થઇ ગયું તે થઇ ગયું પણ હવે સાવચેત રહું છું. તમે લોકો મધમાખી જેવા છો, જયાં મધ હોય ત્યાં પહોંચી જાવ છો. આજે મને બરબાદ કર્યો તો કાલે અન્ય ફૂલ પાસે પહોંચી જશો.

બાજપાઇ સાથે જોડાયેલો કિસ્સો યાદ કર્યો હતો. ત્યારે મણીશંકરે માજી વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇ અને નહેરૂના સંબંધોનો દાખલો આપી મોદી સરકાર સામે નિશાન તાકયું. તેમણે કહયું કે જયારે બાજપાઇ પહેલી વખત ચૂંટાઇને સંસદમાં આવ્યા ત્યારે તે ૩ર વર્ષના જ હતા અને તે વિપક્ષમાં હતા.

જનસંઘના માત્ર ચાર જ સભ્યો હતા.પંડિતે આ છોકરા(અટલજી)ને જોઇ પોતાના સાથીદારોને કહયું કદાચ મારી જગ્યાએ વડાપ્રધાનપદે આ આવી શકે તેમ છે.રસગોત્રા (મહારાજ કૃષ્ણ રસગોત્રા) વિદેશ સચિવ હતા તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે તે ન્યુયોર્કમાં ફરજ બજાવતા હતા.જયારે બાજપાઇને સંયુકત રાષ્ટમાં મોકલવામાં આવ્યા તો વડાપ્રધાન નહેરૂએ જાતે જ સંદેશો મોકલ્યો… મને લાગે છે કે આ છોકરામાં એટલી શકિત છે  એટલે તેને દુનિયાના આગેવાનોને મેળવીશ તો તે આપણા દેશ માટે ફાયદાકારક હશે. મને નથી લાગતું કે હાલના વડાપ્રધાન કે વર્તમાન સરકાર વિપક્ષના ચૂંટાયેલા કોઇ નેતા માટે આવું વિચારતી હોય.

હું ઉલ્લું છું પણ…. જયારે પત્રકારોએ લેખમાં કહેલી વાતો વિશે ઐયરે કહયું કે એક આખો લેખ છે. તમે તેની એક પંકિત પસંદ કરીને કહેશો કે આના વિશે જણાવો, હું તમારા ખેલમાં પડવા માગતો નથી. હું ઉલ્લું છું … પણ એટલો ઉલ્લું નથી. ઐયરે કહયું કે આખા લેખ પર ચર્ચા કરાવો, હું જે કહું છું તેનો દુરૂપયોગ થાય છે. કેટલાક લોકો એવા છે જે મને નફરત કરે છે,એ નફરત એટલા માટે કરે છે કે હું તેમના માટે જે બોલું છું તે સાચું કહું છું.