newsdog Facebook

ભારે પડી ભવિષ્યવાણી : ભાજપને 300થી વધુ બેઠકો મળશે તેવી આગાહી કરનારા સંસ્કૃત શિક્ષક સસ્પેન્ડ

GSTV 2019-05-14 14:02:30

લોકસભા ચૂંટણીમાં બીજેપીની જીતની ભવિષ્યવાણી કરનાર સંસ્કૃતના એક શિક્ષકને મધ્ય પ્રદેશની સરકારે સોમવારે સસ્પેન્ડ કરી દીધા છે. આ શિક્ષકનું નામ રાજેશ્વર શાસ્ત્રી મસલગાંવકર છે અને તેઓ ઉજ્જૈનની વિક્રમ યૂનિવર્સિટીમાં ભણાવે છે. મધ્ય પ્રદેશનના ઉચ્ચ શિક્ષણ વિભાગે તેમના પર એમપી યૂનિવર્સિટી એક્ટ 1973 અંતર્ગત કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

ઉલ્લેખનિય છે કે, મસલગાંવકરે તેમની જ્યોતિષ વિદ્યાના આધારે ભવિષ્યવાણી કરી અને 29 એપ્રિલના રોજ તેને ફેસબુક પર પોસ્ટ કરી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, બીજેપીને 300ની આસપાસ અને એનડીએને 300 કરતાં વધુ.

આ પોસ્ટ જોઇ ઉજ્જૈનના યૂથ કોંગ્રેસના કાર્યકર્તા બબલૂ ખિંચીએ રિટર્નિંગ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેમની આ ફરિયાદમાં લખ્યું હતું કે. કોઇ સરકારી કર્મચારી આ રીતે કોઇ ખાસ પાર્ટીનું સમર્થન કરે એ આચાર સંહિતાનું ઉલ્લંઘન કહેવાય અને એ એમપી સિવિલ સર્વિસિઝ નિયમો અંતર્ગત દંડનીય છે.

આ ફરિયાદ બાદ જિલ્લાના રિટર્નિંગ ઓફિસરે ડિવિજનલ કમિશ્નરને લેખિતમાં મસલગાંવકરને સસ્પેન્ડ કરવાનું જણાવ્યું. સાથે જ મે મહિનામાં તેમને સસ્પેન્ડ કરી બીજા વિભાગમાં મોકલી દેવામાં આવ્યા.

મીડિયા સાથેની વાતચીતમાં મસલગાંવકરે જણાવ્યું કે, રાજકિય બાબતોમાં તેઓ તટસ્થ છે. તેમણે જે પણ ભવિષ્યવાણી કરી એ કોઇપણ રાજકિય પાર્ટીને ફાયદો પહોંચાડવા માટે નહોંતી, તેઓ તો તેમના એક છાત્રના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. આ કાર્યવાહી બાદ મસલગાંવકરે જણાવ્યું કે, તેમને પોતાનો પક્ષ રજુ કરવાની યોગ્ય તક આપવામાં આવી નથી. હવે તેઓ આ સસ્પેન્શનના વિરૂદ્ધમાં હાઇકોર્ટમાં અપીલ કરશે.