newsdog Facebook

વાહનચાલકોને આનંદો! ડ્રાઇવિંગ લાઇસન્સની મુદતને લઇને આવ્યા મોટા સમાચાર

Sandesh 2019-02-08 11:49:00

વાહનચાલકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને કોઇ અહેવાલ આવે તો મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. હવે વાહનચાલકો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. પહેલા કોઇનું ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પુરી થાય તો તેને આરટીઓમાં હજારો ચક્કર કાપવા પડે છે, ત્યારે ફરીથી ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ થાય છે. પરંતુ હવે વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે.

હવે વાહનચાલકો ડ્રાઇવિંગ લાઈસન્સની મુદત પૂર્ણ થવાના એક વર્ષ પહેલા રિન્યૂ કરાવી શકશે. રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં સારથી-4 સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે, જે હેઠળ વેબ બેઇઝડ ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના પગલે એક વર્ષ પહેલા નાગરિકો પોતાનું લાઈસન્સ રિન્યૂ કરાવી શકશે.

એટલે કે એવું કહી શકાય કે, ગુજરાત રાજ્યનાં વાહનચાલકો હવે રાજ્યની કોઇપણ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યૂ કરાવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા આ વાહનચાલકો નાણાં, શક્તિ અને સમયની બચત થશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાઈસન્સ રિન્યૂઅલ, ડુપ્લિકેટ સહિતની કામગીરી માટે ઓનલાઇન ડોક્યુમેન્ટ સબમિશન અને ઇ-પેમેન્ટ પદ્ધતિ ફરજિયાત બનાવવામાં આવી છે. મોટી ઉંમરના લોકો એટલે કે, 50 વર્ષ કે તેથી વધુ વયના વાહનચાલકોને લાઈસન્સ રિન્યૂ કરાવવા માટે તબીબી પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે. લાઈસન્સ રિન્યૂઅલ માટેની ફી 400 રૂપિયા છે જ્યારે મુદ્દત વીતી ગયા પછી અરજી કરવામાં આવે તો 100 રૂપિયા વધારાની ફી લેવાશે. આમ તમામ કામગીરી કરવા ઓનલાઇન ડોક્યુમેન્ટ સબમિટ કરવાનાં રહેશે.