newsdog Facebook

દ.ગુજ.માં અભૂતપૂર્વ જળસંકટ : ઉનાળામાં ખેતી માટે પાણી નથી ને ઉદ્યોગો બેફામ પાણી વાપરે

CIA live 2019-01-18 17:11:19

(Symbolic Photo DAM)

2018માં નબળા રહેલા ચોમાસાને કારણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટ તરફ આગળ વધી રહ્યું છે, હાલ શિયાળાનો માહોલ છે છતાં પાણીની તકલીફો પડવા માંડી છે પરંતુ, આગામી દિવસોમાં અને ખાસ કરીને ઉનાળો શરૂ થશે ત્યારથી સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટમાં સપડાયેલું હશે તેવા ભણકારા સંભળાય રહ્યા છે. ઉકાઇ ડેમમાં હાલ સંગ્રહિત પાણીનો જથ્થો તેમજ ખેતી સિંચાઇ માટેના રોટેશનની સ્થિતિને જોતા ઉનાળામાં ઉકાઇ ડેમમાંથી સિંચાઇનું પાણી મેળવીને ઉનાળું પાક પકવતા ખેડૂતોને પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી જેને પરીણામે ડાંગર, શેરડી અને શાકભાજી મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાનીની દહેશત વર્તાય રહી છે. ખેતી માટે સિંચાઇ નહીં મળતા અંદાજે 3 લાખથી વધુ પરિવારો માટે આફતના ઓળા ઉતરી આવે તેમ છે. ગુજરાતની ભાજપા સરકારની નિર્ણય શક્તિની ટીકા ત્યારે કરવી પડી રહી છે જ્યારે ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી નહીં આપવાનો નિર્ણય સિંચાઇ ખાતું કરી ચૂક્યું છે પરંતુ, તાપી નદીમાથી મનફાવે તેટલું પાણી ઉલેચીને અબજો રૂપિયાની ધીકતી કમાણી કરી રહેલા ઉધોગો ઉપર પાણી કાપ તો દૂરની વાત રહી તેમને એક ટીપું પાણી ઓછું મળે તો ઉદ્યોગોના સરકારી દલાલો લોબીંગ કરવા પહોંચી જાય છે.

સિંચાઇ વિભાગના સુરત સુપરિટેન્ડન્ટ અધિકારી શ્રી સુનિપ મહાકાલ સાથે પત્રકારની થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઉનાળુ પાક માટે ઉકાઇમાંથી પાણી મળવાનું છે એવી વાતો ફેલાવવામાં આવી રહી છે, હકીકતમાં આવો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ઉકાઇ ડેમમાંથી થતા સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ પૂરી થયા બાદ ઉકાઇ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કર્યા બાદ ખેતી સિંચાઇ માટે પાણી આપવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ 16મી મે 2019 સુધીની છે.

ઉનાળામાં ખેતીને પાણી મળે તેવી કોઇ શક્યતા નથી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉનાળુ પાક માટે ખેડૂતોને ઉકાઇ ડેમમાંથી પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી. કેમકે ડેમમાં પાણીનો જથ્થો સાવ ઓછો છે અને જુલાઇ 2019 સુધી પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખવો પડે છે. ગણતરી પ્રમાણે જ પાણીના જથ્થો વપરાશમાં લેવો પડે છે. ઉકાઇ ડેમમાંથી સિંચાઇના એક રોટેશન માટે 450 એમસીએમ જેટલો પાણીનો જથ્થાની જરૂરિયાત રહે છે, હાલમાં ઉકાઇ ડેમમાં સંગ્રહિત પાણીના જથ્થાની સ્થિતિ જોતા ઉનાળામાં ખેતીને સિંચાઇ માટે પાણી મળવાની કોઇ શક્યતાઓ જણાતી નથી.

ખેતી અને ખેડૂતોને 1600 કરોડના જંગી નુકસાનની દહેશત

બીજી તરફ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઇ પટેલ (પાલ)એ જણાવ્યું કે ઉનાળુ પાક માટે પાણી નથી તેવી દહેશત અમને ક્યારની વર્તાય રહી છે પણ જો હયાત પાણીના જથ્થાના વિતરણ અંગે યોગ્ય રીતે નિર્ણય કરવામાં આવે તો ખેડૂતોને મોટી નુકસાનીથી બચાવી શકાય તેમ છે. તેમણે કહ્યું કે ઉનાળુ પાક માટે જો ઉકાઇ ડેમ પર નભતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જો પાણી પૂરૂં પાડવામાં નહીં આવે તો ડાંગરના પાકને રૂ.250 કરોડ, શેરડીના પાકને રૂ.600 કરોડ, શાકભાજીને રૂ.250 કરોડથી વધુ તેમજ દુધ ઉત્પાદનને રૂ.250 કરોડ મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાની સહન કરવાનો વખત આવે તેમ છે.

19મીએ ખેડૂતો સિંચાઇ સલાહકાર સમિતિને મળશે

શ્રી જયેશ પાલએ જણાવ્યું કે સિંચાઇ વિભાગને ઉનાળુ પાક અંગે સિંચાઇનું પાણી ખેડૂતોને વિતરણ કરવા સંદર્ભે રજૂઆતો કરવા માટે તા.19 જાન્યુઆરી 2019ના રોજ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ સિંચાઇ વિભાગના અધિકારીઓને મળવા જઇ રહ્યું છે.

તાપી નદી પોતાના બાપની જાગીર હોય એમ હજીરાના ઉદ્યોગો પાણી ઉલેચી રહ્યા છે, તેમના પર હજુ સુધી કોઇ પાણી કાપ મૂકાયો નથી

આમ, સિંચાઇના અભાવે દક્ષિણ ગુજરાતમાં એક તરફ ખેતી અને ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ છે ત્યારે બીજી તરફ તાપી નદીમાંથી હજીરા સમેતના ઉદ્યોગ સમૂહો બેરોકટોક પાણી ઉલેચી રહ્યા છે અને પાણીનો મનસ્વી ઉપયોગ કરી રહ્યા છે. હજુ સુધી ખેડૂતો પર અનેક પાણીના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે પરંતુ, હજીરા સમેતના ઉધોગો જેઓ તાપી નદી પોતાના બાપની જાગીર હોય એ રીતે નદીનું પાણી ઉલેચી રહ્યા છે તેમની સામે એક હરફ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. ખેડૂત આગેવાન શ્રી દર્શનભાઇ નાયકે જણાવ્યું હતું કે આ સરકાર ઉદ્યોગોનું હિત વિચારી રહી છે, એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલજાજમ બિછાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખેડૂતોને પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં સરકારને કેમ રસ રહ્યો નથી.