newsdog Facebook

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

Sambhaav News 2019-01-18 14:06:49

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ, રિલાયન્સના મૂકેશ અંબાણી, અદાણી જૂથના ગૌતમ અદાણી, ટાટાના ચંદ્રશેખરન કુમારમંગલમ બિરલા, સુધીર મહેતા સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનના પ્રમુખ સાવકાત મિઝીયોયેવ, આફ્રિકન યુનિયનના ચેરપર્સન અને રવાન્ડાના પ્રમુુખ પૌલ કાગામે, ચેક પ્રજાસત્તાકના વડા પ્રધાન અન્દ્રેજ બાબિસ, ડેન્માર્કના વડા પ્રધાન લાર્સ લોકકે રાસમુસ્સમ અને માલ્ટા પ્રજાસત્તાકના વડા પ્રધાન ડો.જોસેફ મુસ્કાત ખાસ હાજર રહ્યા હતા.

સમિટના પ્રથમ કલાકમાં જ રાજ્યમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત કરાઇ હતી. ૧૧પ દેશના પ્રતિનિધિ આ સમિટમાં જોડાયા છે. જ્યારે ૧પ દેશ પાર્ટનર તરીકે જોડાયા છે.

વડા પ્રધાન મોદી હજુ આવતી કાલ બપોરે સુધી ગુજરાતમાં રોકાવાના હોઇ તેમનું પ્રધાનમંત્રી કાર્યાલયના ટોચના અધિકારીઓ સહિતનું કાર્યાલય અહીં ઊભુ કરાયું છે. ગુજરાતમાં અને દેશમાં વિદેશી રોકાણ મોટા પ્રમાણમાં થાય તે માટે તેઓ આજે સાંજે સોવેરિન ફંડ, પેન્શનફંડ તેમજ ટોચની નાણાં સંસ્થાઓના વડાઓ સાથે સાંજે ગાલા ડિનર સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજશે. દરમ્યાન તેઓ દાંડિકુટર ખાતે થ્રીડી પ્રોજેકશન લેસર લાઇટ શોનું પણ ઉદ્ઘાટત કરશે. આજે પણ તેઓ રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે.

વાઇબ્રન્ટ સમિટના ઉદ્દઘાટન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ર૦૧૯ને સારો પ્રતિસાદ મળ્યો છે. સમિટ એ વડા પ્રધાનનું સ્વપ્ન છે. આ સમિટને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની થીમ ન્યૂ ઇન્ડિયા પર રચાઇ છે. ગુજરાતથી જ નવા ભારતનું નિર્માણ થશે ગુજરાત આજે યજમાન નથી પરંતુ હાજર તમામ દેશના પ્રતિનિધિઓનું પાર્ટનર છે. તેમના વકતવ્યના અંતમાં તેમણે મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો પાંચ દેશના વડા તેમજ ટોચના તમામ ઉદ્યોગપતિઓ અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
ટાટા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરે તેમના પ્રવચનમાં જણાવ્યું  હતું કે, ગુજરાતમાંથી ટાટાનો ઉદય થયો છે. જમશેદજી ૧૮૩૯માં અહીં જન્મ્યા હતા ત્યારથી અમે અહીં છીએ. ગુજરાત ટાટા જૂથનું ત્રીજું સૌથી વધુ રોકાણ ધરાવતું રાજ્ય છે. જ્યાં રપ૦૦૦થી વધુ લોકો કામ કરે છે.

આદિત્ય બિરલા ગ્રૂપના કુમારમંગલમ્ બિરલાએ જણાવ્યું હતું કે ગુજરાત એ ભારતનું સૌથી લોકપ્રિય વાઇબ્રન્ટ પિકચર છે. અલ્ટ્રાટ્રેક કંપની સ્ટેચ્યુ ઓય યુનિટીના નિર્માણમાં ભાગ લીધો છે. વડા પ્રધાનની આગેવાનીમાં ભારત સુપર પાવર બને. ગુજરાતમાં ર૬,૦૦૦ લોકો અમારી કંપનીમાં કામ કરી રહ્યા છે. ઘોલેરા ફોરલેન પ્રોજેકટ, મેટ્રો રેલમાં પણ અમારી પ્રોડકટ ઉપયોગમાં લેવાઇ રહી છે. ૩૦૦૦ કરોડનું રોકાણ અમે ગુજરાતમાં કર્યું છે. હવે હજુ વધુ ૧પ હજારનું રોકાણ કરીશું.

ટોરેન્ટ પાવરના સુધીર મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાવર સેકટરમાં વધુ ૧૦ હજાર કરોડનું રોકાણ કરશે. અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીએ કચ્છમાં સૌથી મોટા સોલર પાવર પ્રોજેકટ સહિત પપ હજાર કરોડના રોકાણની જાહેરાત કરી હતી.

રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં ‘ગુજરાત ફર્સ્ટ’એ અમારું લક્ષ્ય છે. ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. રિલાયન્સ ગુજરાતમાં દસ લાખ લોકોને રોજગારી આપે છે. રિલાયન્સે ગુજરાતમાં ત્રણ લાખ કરોડનું રોકાણ કર્યું છે.

મહાત્મા મંદિર ખાતે યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019માં ભાગ લેવા દેશ વિદેશના મહેમાનો ગાંધીનગર ખાતે છે ત્યારે આજે સવારથી જ ખાનગી ટેક્સીઓના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડતી ટેક્સીનો ભાવ ૪૦૦થી રૂ.૪પ૦ રહેતો હોય છે તે આજે રૂ.૧૦૦૦થી ૧ર૦૦ પહોંચ્યો છે.

એટલું જ નહીં સવારે એસજીહાઇવેથી ગાંધીનગર માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો અને સમિટ સુધી પહોંચવા માટે અનેક લોકો મોડા પડ્યા હતા. ટેક્સીના રૂપિયા ચુકવવાની તૈયારી છતાં મોટાભાગની ટેક્સીની રિકવેસ્ટ રિજેક્ટ થતી હોવાનું જણાયુ હતું.

વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી આવેલા ‌ડેલીગેટસ આજે વીવીઆઇપી લંચમાં ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. આજે ડેલિગેટસને સુરતી ઊંધિયું પિરસાશે. આજના બપોરના ભોજનમાં મેનુમાં સલાડ, દાળ ખમણ, બ્રોકોલી આલ્મન્ડ સૂપ, શાહી પનીર વિથ સેફોન ગ્રેવી, ચટપટા પંજાબી શાક, આલુ મટર, સુરતી ઊંધિયું, બેકડ વેજિટેબલ, દાલ, જીરા પુલાવ, રોટી, પરાઠા, પાપડ ચટણી, રાયતા, ડેઝર્ટમાં રાજભોગ શ્રીખંડ, રેડ વેલવેટ પેસ્ટી, સીતાફળ આઇસક્રીમ, મુખવાસમાં પાન પીરસાયા હતા.