CM વિજય રૂપાણીના હસ્તે રિવરફ્રન્ટ પર ફલાવર શોનો પ્રારંભ
અમદાવાદ: હોંગકોંગમાં થતા ફ્લાવર શો કરતાં પણ મોટા એવા સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડનથી છેક ઈવેન્ટ સેન્ટર સુધીના ૧.૨૮ લાખ ચોરસ મીટર એરિયામાં ફેલાયેલા ફ્લાવર શોનું આજે સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ ફ્લાવર શો આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી એટલે કે સાત દિવસ ચાલશે, જોકે પહેલી વાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલાવર શો માટે પુખ્તો માટે રૂ. દશની એન્ટ્રી ફી રખાઈ છે. બાળકો માટે પ્રવેશ ફ્રી રહેશે.
આ ફ્લાવર શોમાં શહેર અને દેશની પ્રસિદ્ધ ૧૨ નર્સરીના વિવિધ જાતના ફૂલ-છોડનું પ્રદર્શન યોજાયું છે. ફૂલનો ફલાવર બેડ, ઓર્કિડ, ઈંગ્લિશ ગુલાબ અન્ય ફૂલમાંથી બનાવાયેલા િજરાફ, કળા કરેલો મોર, બટરફ્લાય, હરણ, બુલેટ ટ્રેન, ચરખો, ગાંધીજી, ગાંધીજીનાં ચશ્માં, કલસ્ટર, સી-પ્લેન, ફ્લેમિંગો, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ વગેરે ૫૦થી વધુ સ્કલ્પ્ચર, વિર્ટકલ થીમ આધારિત આકર્ષક પ્રવેશદ્વાર લોકોને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત વર્ટિકલ ગાર્ડન બનાવવા માટેના જુદા જુદા ૧૦થી વધુ પ્રકાર દ્વારા ૧૨ ફૂટ x ૮ ફૂટની ૧૦ વર્ટિકલ વોલ બનાવાઈ છે.
ફ્લાવર શોમાં ગ્રીન હાઉસનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન દર્શાવાશે. આ ઉપરાંત ખાણી-પીણીના ૫૦ સ્ટોલ ઊભા કરાયા છે. ફ્લાવર શોમાં ફૂલમાંથી બનાવાયેલા હાર્ટ અને પાંડાના ત્રણ સેલ્ફી પોઈન્ટ પણ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અાશરે ૨૦૦ ચોરસમીટરની જગ્યામાં ૩૦૦થી વધારે કુંડાં મૂકીને તેમાં રીંગણાં, ટામેટાં, મરચાં, દૂધી જેવાં શાકભાજીનાં ફળ સાથેના રોપાના માધ્યમથી લોકોને શાકભાજી કેવી રીતે ઉછેરવાં તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજ અપાશે. ખાતર, બિયારણ સાથે સંકળાયેલી કંપનીઓનાં ૩૫ વેચાણ કેન્દ્ર તેમજ શહેર અને દેશની પ્રસિદ્ધ ૧૨ નર્સરીના વિવિધ જાતના ફૂલછોડનાં વેચાણ કેન્દ્ર ઊભાં કરાયાં છે.
વાઈબ્રન્ટ ગુજરાત માટે આવનારા દેશી-વિદેશી મહાનુભાવો ફ્લાવર શોનો આનંદ માણી શકે તે આશયથી આ વખતે તેનું આયોજન વિલંબમાં મુકાયું છે. તંત્ર દ્વારા આ વર્ષે સાતમો ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. પ્રવેશદ્વાર પર જનમિત્ર કાર્ડ દ્વારા ઈ-પેમેન્ટ તેમજ મેન્યુઅલ ટિકિટિંગની વ્યવસ્થા ગોઠવાઈ છે. ફલાવર શો સવારના ૧૦ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે.
આ ઉપરાંત આવતી કાલે તા. ૧૭ જાન્યુઆરીએ સાંજે ૪.૦૦ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હાલની વી.એસ. હોસ્પિટલના પરિસરમાં બંધાયેલી અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ મિલ્ટ સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશરે રૂ. ૬૦૦ કરોડના ખર્ચે આ ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કરાયું છે.
નવી હોસ્પિટલમાં અત્યારે દર્દીઓ માટે ૩૦૦ જનરલ પથારી ઉપલબ્ધ કરાશે. જ્યારે સ્પેશિયલ રૂપની સુવિધા મેળવવા માટે હજુ બે મહિના રાહ જોવી પડશે. સાંજે ૫.૦૦ વાગ્યે વડા પ્રધાન મોદી દ્વારા દેશના સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલનું પણ લોકાર્પણ કરાશે. તા. ૧૭થી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેિસ્ટવલમાં ગ્રાહકોને લાખો-કરોડોનાં ઈનામ લકી ડ્રો દ્વારા અપાશે.