newsdog Facebook

કર્ણાટક ભાજપના ધારાસભ્યોના ગુરગ્રામમાં ધામા, કોંગ્રેસ-જેડીયુના ૧૩ MLA ગાયબ

Sambhaav News 2019-01-15 11:44:32

બેંગલુરુ: વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ કર્ણાટકમાં ફરી એક વખત સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને ભાજપ પર ‘ઓપરેશન લોટસ’ હેઠળ ધારાસભ્યોને લાલચ આપીને ખરીદવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

બીજી તરફ ભાજપે આ તમામ આરોપો ફગાવી દીધા છૈ. ભાજપે જણાવ્યું છે કે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના નેતાઓ ભાજપના ધારાસભ્યોને લલચાવવાની કોશિશ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના ૧૦ અને જેડીએસના ત્રણ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.

ભાજપની કોશિશ છે કે આ ૧૩ ધારાસભ્યો જલદી રાજીનામાં આપી દે. ભાજપ આગામી સપ્તાહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી પણ શક્યતા છે. ભાજપે અંદરખાને આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તાજા સમાચારો અનુસાર કોંગ્રેસ-જેડીએસના ૧૩ ધારાસભ્યો બેંગલુરુથી ગાયબ થઈ ગયા છે. મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ સત્તારૂઢ ગઠબંધનના ધારાસભ્યોને લલચાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ગઠબંધનના કોઈ ધારાસભ્ય પક્ષપલટો કરવાના નથી.

બીજી તરફ કર્ણાટક ભાજપના પ્રમુખ બી.એસ. યેદિયુરપ્પાએ તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપો ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે ભાજપે કોઈ ઓપરેશન લોટસ હાથ ધર્યું નથી. ઊલટાનું કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન જ હાલ ભાજપના ધારાસભ્યોને ખરીદવાની કોશિશમાં લાગેલું છે, અમે નહીં. એ લોકોએ તમામ શરૂઆત કરી છે.

ભાજપના કેન્દ્રીય નેતાઓએ કર્ણાટકની રાજનૈતિક સ્થિતિ ધ્યાનમાં રાખીને પોતાના તમામ ૧૦ર ધારાસબ્યને ગુરગ્રામના એક રિસોર્ટમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. આ રિસોર્ટ ફરતે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે અને તમામ ધારાસભ્યને બહારના લોકો સાથે કોઈ પ્રકારનો સંપર્ક ન રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.

રર૪ સભ્યવાળી વિધાનસભામાં ભાજપના ૧૦૪ ધારાસભ્ય, કોંગ્રેસના ૭૯, જેડીએસના ૩૭, બહુજન સમાજ પાર્ટી (બસપા), કેપીજેપી અને અપક્ષના એક-એક ધારાસભ્ય છે. બસપા, કેપીજેપી અને અપક્ષ ધારાસભ્યે ગઠબંધન સરકારને સમર્થન આપ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક નેતાઓએ એવો પણ દાવો કર્યો છે કે ૧૭ જાન્યુઆરીથી કર્ણાટકમાં રાષ્ટ્રપતિશાસન લાગુ પાડી દેવામાં આવશે. કુમારસ્વામીએ આ પ્રકારના તમામ સમાચારો સત્યથી વેગળા હોવાની વાત જણાવી દાવો કર્યો હતો કે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન આજે પણ મજબૂત છે અને ભાજપ તેમને કોઈ નુકસાન પહોંચાડી શકે તેમ નથી.