newsdog Facebook

રાહુલ અને હાર્દિકના સ્થાને શુભમન અને શંકરને ભારતીય ટીમમાં સ્થાન

Sandesh 2019-01-14 00:26:59

। નવી દિલ્હી ।

એક ટોક શોમાં મહિલા વિરોધી નિવેદન બાદ સસ્પેન્ડ કરાયેલા હાર્દિક પંડયા અને લોકેશ રાહુલના સ્થાને ઓલરાઉન્ડર વિજય શંકર અને બે

બેટ્સમેન શુભમન ગિલને ભારતીય ટીમમાં સામેલ કરાયા છે. હાર્દિક અને રાહુલને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રણ મેચની વન-ડે સિરીઝમાંથી બહાર કર્યા બાદ તપાસ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. વિજય શંકર ૧૫મી જાન્યુઆરીએ યોજાનારી ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડે પહેલાં ટીમ સાથે જોડાઈ જશે જ્યારે શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામે યોજાનારી વન-ડે ટીમમાં સામેલ કરાયો છે. ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ બાદ ન્યૂઝીલેન્ડ ભારત સામે પાંચ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમાનર છે.

શુભમન ગિલને પ્રથમ વાર સીમિત ઓવરની ભારતીય ટીમમાં સ્થાન અપાયું છે. તેણે રણજી ટ્રોફીમાં પંજાબ તરફથી ૯૮.૭૫ની એવરેજથી ૧૦ ઇનિંગમાં બે સદી અને પાંચ અર્ધી સદી સાથે ૭૯૦ રન બનાવ્યા હતા. ગિલ ન્યૂઝીલેન્ડ પ્રવાસ વખતે ભારતીય એ ટીમમાં સામેલ હતો. ગિલ માટે ૨૦૧૮નું વર્ષ ઘણું શાનદાર રહ્યું હતું. અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. શંકર બીજી વખત ભારતીય ડ્રેસિંગ રૂમમાં જોવા મળશે. તે ગત વર્ષે માર્ચમાં નિદાહાસ ટ્રોફીમાં ટી-૨૦માં રમ્યો હતો.

પાંચમા નંબરે બેટિંગ કરવાથી સુધારો થયો : વિજય શંકર

૨૭ વર્ષીય વિજય શંકરને શ્રીલંકામાં રમાયેલી નિદાહાસ ટ્રોફી ટી-૨૦ ટૂર્નામેન્ટની ફાઇનલમાં મુસ્તફિઝુર રેહમાનના બોલનો સામનો કરવામાં નિષ્ફળ રહેતાં ભારતીય પ્રશંસકોની ટીકાનો સામનો કરવો પડયો હતો. હવે ભારતીય ટીમમાં તેને બીજી વખત તક મળી છે. પોતાના સિલેક્શન અંગે શંકરે કહ્યું કે, હું માનસિક રીતે ઘણો મજબૂત થયો છું અને મારો વિશ્વાસ છે કે, હવે હું રસાકસી ભરી મેચોમાં વિજય અપાવી શકું છું. ભારત એના ન્યૂઝીલેન્ડ પ્રવાસ વખતે મને મારી રમતને સારી રીતે સમજવામાં મદદ મળી હતી. તેણે કહ્યું કે, રાહુલ દ્રવિડે ન્યૂઝીલેન્ડ પ્રવાસ વખતે મને પાંચમા નંબરે બેટિંગ કરવા મોકલ્યો હતો જેનાથી ઘણો ફાયદો થયો હતો.

ન્યૂઝીલેન્ડમાં કારકિર્દીની શરૂઆતથી વિશેષ ન હોઈ શકે : ગિલ

ભારતીય ટીમમાં પસંદગી થતાં શુભમન ગિલે કહ્યું કે, પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત ન્યૂઝીલેન્ડમાં કરવાથી ખાસ ન હોઈ શકે કારણ કે, ૧૨ મહિના અગાઉ અન્ડર-૧૯વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. તે ગત મહિને ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ભારત એ ટીમમાં સામેલ હતો. ગિલે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પસંદગી થવી મારા માટે સારું છે. હું ત્યાં અન્ડર-૧૯ વર્લ્ડ કપ રમ્યોહતો અને હવે ફરી મારી પાસે આ તક આવી છે. મેં ત્યાં સારો દેખાવ કર્યો હતો. જો મને તક મળે તો મારે માત્ર ભારત તરફથી પદાર્પણ કરતી વખતેના દબાણ પર ધ્યાન આપવું પડશે. માનસિક રીતે આ થોડું અલગ હશે પરંતુ હું તે માટે તૈયાર છું.

આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મંગળવારે ત્રણ મેચની સિરીઝની બીજી વન-ડે મેચ રમાશે ત્યારે ભારતીય ટીમની નજર મેચ જીતી સિરીઝમાં વાપસી કરવા પર રહેશે જ્યારે ઓસ્ટ્રેલિયાનું લક્ષ્ય મેચમાં વિજય મેળવી સિરીઝ પોતાના નામે કરવા પર રહેશે. ઓસ્ટ્રેલિયાએ શનિવારે રમાયેલી સિરીઝની પ્રથમ મેચ ૩૪ રને જીતી ૧-૦ની લીડ મેળવી હતી. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટના નુકસાને ૨૮૮ રન બનાવ્ય ।હતા જેના જવાબમાં ભારતીય ટીમ નવ વિકેટ ગુમાવી ૨૫૪ રન બનાવી શકી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સદી ફટકારી હતી જ્યારે ધોનીએ અર્ધી સદી નોંધાવી હતી. પ્રથમ વન-ડેમાં યુવા ઝડપી બોલર ખલીલ એહમદ પ્રભાવશાળી નહોતો રહ્યો જેને કારણે તેના સ્થાને ટીમમાં વધુ એક સ્પિનર તરીકે યૂઝવેન્દ્ર ચહલને સ્થાન મળી શકે છે. કુલદીપ અને જાડેજા પણ ટીમમાં સામેલ છે. જોકે, હાર્દિક પંડયાના સ્થાને વિજય શંકરને ટીમમાં સામેલ કરાયો છે જેથી જાડેજાના સ્થાને વિજય શંકરને પણ અંતિમ ઇલેવનમાં સામેલ કરાય તેવી શક્યતા છે.