newsdog Facebook

ફેડરર-જોકોવિચની નજર  રેકોર્ડ સાતમું ટાઇટલ જીતવા પર

Sandesh 2019-01-14 00:26:59

।   મેલબર્ન ।

આજથી શરૂ થઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરર અને નોવાક જોકોવિચની નજર રેકોર્ડ સાતમું ટાઇટલ જીતવા પર રહેશે જ્યારે એન્ડી મરે મેલબર્ન પાર્કમાં અંતિમ વખત ઊતરશે. વિશ્વના નંબર વન ખેલાડી નોવાક જોકોવિચ અને ત્રીજો નંબર ધરાવતા રોજર ફેડરરને ચોથો ક્રમાંક ધરાવતો એલેક્ઝાન્ડર ઝવેરેવ જેવા યુવા ખેલાડીઓ તરફથી પડકાર મળશે. ઝવેરેવ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાના લક્ષ્ય સાથે ઊતરશે. એન્ડી મરેએ ઓસ્ટ્રેલિયન ઓપન અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તે સર્જરી બાદ પણ સંપૂર્ણ સ્વસ્થ થયો નથી જેને કારણે તે આ વર્ષે નિવૃત્તિ લેશે. તેણે કહ્યું કે, વિમ્બ્લડન સાથે તે પોતાની કારકિર્દીનું અંત લાવવા માગે છે પરંતુ ઓસ્ટ્રેલિયા ઓપન જ તેની અંતિમ ટૂર્નામેન્ટ હોઈ શકે છે.

વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતા રફેલ નડાલની ફિટનેસને લઈ સવાલ ઊઠી રહ્યા છે. ઈજાને કારણે તે બ્રિસ્બેન ઓપનમાંથી ખસી ગયો હતો. જોકે, તેણે દાવો કર્યો છે કે, તે હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને તે ઓસ્ટ્રેલિયન ઓપન માટે તૈયાર છે. તેનો મતલબ કે, બિગ ફોરનો સમય પૂર્ણ થવાના આરે છે.

ફેડરરની નજર અહીં રેકોર્ડ સાતમા ગ્રાન્ડ સ્લેમ જીતવા પર રહેશે. ફેડરરે કારકિર્દીમાં કુલ ૯૯ એટીપી ટાઇટલ જીત્યા છે અને તે અહીં વિજય મેળવી ટાઇટલની સદી નોંધાવવા ઊતરશે. ફેડરર પોતાના અભિયાનનો પ્રારંભ ઉઝબેકિસ્તાનના ડેનિસ ઇસ્ટોમિન સામે કરશે. તેણે કહ્યું કે, હું સારી ટેનિસ રમી રહ્યો છું. મને ભરોંસો છે કે, મને પરાજય આપવા માટે મારા વિરોધીને સારું પ્રદર્શન કરવું પડશે. ફેડરરે ગત વર્ષે અહીં ચેમ્પિયન બની ૨૦મું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું તેમજ નોવાક જોકોવિચ અને રાય એમર્સનના ઓસ્ટ્રેલિયન ઓપનમાં છ ટાઇટલ જીતવાના રેકોર્ડની બરાબરી કરી હતી.

જોકોવિચ ગત વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં જલદી બહાર થઈ ગયો હતો. તે પછી તેને કોણીની સર્જરી કરાવવી પડી હતી. તે પછી ખરાબ પ્રદર્શનને કારણે ટોપ-૨૦માંથી બહાર થઈ ગયો હતો. જોકોવિચે જુલાઈમાં વિમ્બલ્ડનનું ટાઇટલ જીતવા સાથે વાપસી કરી હતી અને તે પછી માત્ર ત્રણ મેચ ગુમાવી ફરી નંબર વનનું સ્થાન મેળવી લીધું હતું. તે એટીપી ફાઇનલ્સની ફાઇનલમાં પહોંચ્યો હતો જ્યાં ઝવેરેવ સામે હારી ગયો હતો. જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં મંગળવારે અમેરિકાના મિશેલ ક્રૂગર સામે ટકરાશે.