newsdog Facebook

INDvsAUS: કપ્તાન કોહલીએ જણાવ્યું સિડની હાર પાછળનું કારણ

Sandesh 2019-01-13 13:47:00

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર થયેલી હારને લઇને કારણ જણાવ્યું હતું. શનિવારે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં રમાયેલીભારત-ઑસ્ટ્રેલિયા વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 34 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

કપ્તાન કોહલીએ કર્યા રોહિત-ધોની વખાણ

રોહીત શર્માએ મેચ દરમિયાન સદી ફટકારી હતી. જ્યારે રોહિત અને ધોનીએ સાથે મળીને 141 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 133 રન બનાવ્યા હતા અને ધોનીએ 51 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ રોહિત અને ધોનીના વખાણ કર્યા હતા.

સિડનીમાં થયેલી ભારતની હારને લઇને કપ્તાન કોહલીએ જણાવ્યું હતું કે ટીમના બેસ્ટમેન દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું જો કે ક્યાંકને ક્યાંક ટીમના બોલર પોતાનું પ્રદર્શન સાબીત કરવામાં અસફળ રહ્યા હતા.

આ કારણથી વન-ડેમાં હાર મળી

કોહલીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે જે રીતે રમ્યા તેનાથી ખૂશ નથી. અમે ધાર્યા લક્ષ્યાંક સુધી ન પહોંચી શક્યા, અમને લાગ્યું હતું કે 288નો લક્ષ્યાંક આરામથી પાર કરી લઇશું અને શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવી એ ટીમ માટે નુકસાન સાબીત થયું હતું.

ઑસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતી, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતને 288 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જ્યારે ભારતીય ટીમમાં રોહિત અને ધોનીના શાનદાર પ્રદર્શન બાદ પણ ટીમ 254 રનમાં ઓલ-આઉટ થઈ ગઇ હતી. ભારતની શરૂઆત જ ખરાબ રહી હતી. શરૂઆતના ચાર રનમાં જ ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ઓપનર શિખર ધવન(0), કપ્તાન વિરાટ કોહલી(3) અને રાયડૂ(0)એ પવેલિયન પરત જવું પડ્યું હતું. જ્યાર બાદ રોહિત અને ધોનીએ સાથે મળીને ટીમને સંભાળી હતી.