newsdog Facebook

અમેરિકામાં લાખો કર્મચારીઓની સ્થિતિ કફોડી, પેમેન્ટ સ્લીપ મળી પણ પગાર ના મળ્યો

Sandesh 2019-01-12 21:49:00

અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પની મેક્સિકો વોલ માટે 5.7 અબજ ડોલરની રકમ ફાળવવાની જીદ અને તેને કારણે જાહેર કરવામાં આવેલું શટડાઉન અમેરિકાના અત્યાર સુધીના ઇતિહાસમાં લાંબામાં લાંબું 22મા દિવસમાં પ્રવેશ્યું છે, જેનો તાકીદે અંત આવે તેવા કોઈ અણસાર જણાતા નથી. અમેરિકન કોંગ્રેસ સમક્ષ ટ્રમ્પે મેક્સિકો વોલ બાંધવા જંગી રકમ ફાળવવા માગણી કરી છે જ્યારે ડેમોક્રેટ્સ તેનો વિરોધ કરી રહ્યા છે.

હાલ અમેરિકાના 8,00,000 સરકારી કર્મચારીઓ પગાર વિના કામ કરી રહ્યા છે. શુક્રવારે તેમને પેમેન્ટ સ્લીપ મળી હતી પણ પગાર મળ્યો ન હતો. સરવેમાં લોકોએ રેકોર્ડબ્રેક શટડાઉન માટે ટ્રમ્પને જવાબદાર ગણાવ્યા છે. બીજી તરફ કટોકટી જાહેર કરાય તો તેને પહોંચી વળવા વહીવટીતંત્રે તમામ તૈયારીઓ શરૂ કરી છે. અનિવાર્ય સંજોગોમાં સરકારની આવકમાંથી મેક્સિકો વોલ માટે ફંડ ફાળવવા પ્રયાસો તેજ કરાયા છે. મડાગાંઠ ઉકેલવાની છેલ્લી બેઠકમાં ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસને કોઈ વિકલ્પ શોધવા તાકીદ કરી ત્યારે અન્ય લોકોએ ફંડ નહીં ફાળવાય તેવું કહેતાં ટ્રમ્પ બાય… બાય… કહીને બેઠકમાંથી ચાલ્યા ગયા હતા.

ટ્રમ્પે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય કટોકટી લાદવાની ઉતાવળ કરશે નહીં

એક તરફ ટ્રમ્પના હઠાગ્રહની ટીકા થઈ રહી છે ત્યારે મડાગાંઠ ઉકેલવા અને શટડાઉનનો વહેલી તકે અંત લાવવા ટ્રમ્પ તેમજ રિપબ્લિકન્સે અમેરિકન સંસદને બીજો કોઈ વિકલ્પ શોધવા તાકીદ કરી છે. ટ્રમ્પે એવું કહ્યું છે કે તેઓ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની કોઈ ઉતાવળ કરશે નહીં. તેઓ હજી પણ ફંડ મેળવવા અમેરિકી કોંગ્રેસ સાથે સોદાબાજી કરવા માગે છે અને કોંગ્રેસ ફંડ ફાળવશે તેવી તેમને આશા છે. શટડાઉનનો અંત આવે ત્યારે કર્મચારીઓને પાછલો પગાર ચૂકવવા હાઉસ અને સેનેટે સંમતિ દર્શાવી છે.

આર્મી કોર્પ્સમાંથી 13.9 અબજ ડોલર ફાળવવા વિચારણા

સત્તાવાળાઓ હાલ અન્ય ખાતાઓમાંથી મેકિસકો વોલ માટે ફંડ ફાળવવાના વિકલ્પ વિચારી રહ્યા છે. ખાસ કરીને આર્મી કોર્પ્સમાંથી 13.9 અબજ ડોલર ફાળવવા વિચારણા કરાઈ રહી છે. બીજો વિકલ્પ ડ્રગ્સ માફિયાઓ પાસેથી ન્યાય વિભાગે જપ્ત કરેલી રકમ ફાળવવાનો છે. ત્રીજો વિકલ્પ આર્મીનાં બાંધકામ ફંડમાંથી રકમ ફાળવવાનો છે પણ આ તમામ વિકલ્પો ભવિષ્યમાં સરકાર માટે સમસ્યાઓ સર્જી શકે છે.