newsdog Facebook

આજથી વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર તોફાની બનવાના એંધાણ, વિપક્ષ કરશે વિધાનસભાનો ઘેરાવ

Sambhaav News 2018-09-18 08:16:08

આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર મળી રહ્યું છે. ૧૮ અને ૧૯ સપ્ટેમ્બરે મળનારા આ સત્રમાં ગુજરાત સરકાર બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મંજૂરી, સોસાયટીઓ માટેનું રિડેવલપમેન્ટ બિલ (ગુજરાત માલિકી ફલેટ સુધાર વિધેયક-૧૮), ચેઇન સ્નેચિંગ માટેનું બિલ તેમજ ગુજરાત રાજ્ય નગરપાલિકા સુધારા વિધેયક સહિત કુલ ૬ બિલો રજૂ કરાશે. જેમાં પ્રથમ દિવસે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇને ગૃહમાં શ્રદ્ધાંજલી પાઠવામાં આવશે અને ત્યારબાદ એક દિવસ માટે ગૃહને મુલતવી કરી દેવામાં આવશે.

વિપક્ષ દ્વારા આ સત્ર દરમ્યાન વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કરાયો હોવાથી આ સત્ર તોફાની બની રહેશે તેવી સંભાવના છે. આવી સંભાવના વચ્ચે સરકાર પાંચથી છ બિલ પસાર કરવાનો પ્રયાસ કરશે.

આ સત્રમાં વિપક્ષે મગફળીકાંડ, ખેડૂતોના દેવા, જમીન માપણીમાં ગેરરીતી સહિતના મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાની રણનીતિ ઘડી નાંખી છે. જો કે તેની સાથે અવિશ્વાસના પ્રસ્તાવને લઈને પણ હંગામો થઈ શકે છે. જો અવિશ્વાસ પ્રસ્તાવ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થવાના પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એંધાણ આપી દીધા છે.

ડે. સીએમએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નિયમો પ્રમાણે અવિશ્વાસની દરખાસ્ત શક્ય નથી. જોકે બીજી તરફ કોંગ્રેસ સહિતના પક્ષોએ સરકારને ઘેરવાની નીતિ ઘડી લીધી છે. આ બે દિવસીય સત્રમાં ચાર જેટલા સરકારી બિલ પર પણ ચર્ચા થશે. જેને પસાર કરાવવા સરકાર માટે એક મોટો પડકાર હશે.

રાજ્યની જૂનીપુરાણી એટલે કે ઓછામાં ઓછી રપ વર્ષ જૂની ઇમારતોના નવનિર્માણ માટે રિડેવલપમેન્ટ પો‌લિસીનું વિધેયક રજૂ થશે તે મહત્વનું ગણવામાં આવે છે.