newsdog Facebook

નાના ખેડુતો બેહાલ, મોટા કિસાનો જ સરકારી લાભ કટકટાવે છે

Sanjsamachar 2018-03-13 12:03:00

નવી દિલ્હી તા.13
ખેડુતો-ગામડાઓની નારાજગી-હતાશા દુર કરવા માટે મોદી સરકાર શ્રેણીબદ્ધ પગલા લઈ રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ પેટા સંગઠન એવા ભારતીય કિસાન સંઘ એવો બળાપો ઠાલવ્યો છે કે કેન્દ્રની યોજનાઓનો લાભ માત્ર સમૃદ્ધ અને જરૂર ન હોય તેવા કિસાનોને જ મળી રહ્યો છે. નાના અને ગરીબ ખેડુતો તો હજુ બેહાલીની જ દશા ભોગવે છે.
નાગપુરમાં આરએસએસની બેઠકમાં જ ભારતીય કિસાન સંઘે વાસ્તવિક ચિત્ર પેશ કરીને લાલબતી ધરી હતી અને તેમાં મહારાષ્ટ્રના વિરાટ કિસાન આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો. 20 લાખથી વધુ ખેડુતોનું સભ્યપદ ધરાવતા ભારતીય કિસાન સંઘે આરએસએસની ત્રણ દિવસની બેઠકના અંતિમ દિવસે કૃષિ અને કિસાનોની હાલત પર રીપોર્ટ પેશ કર્યો હતો અને એવી સલાહ આપી હતી કે રાંધણગેસમાં જે રીતે ડાયરેકટ સબસીડી આપવામાં આવે છે તે ધોરણે ઓપરેશન ગ્રીન સ્કીમ હેઠળ ડાયરેકટ સબસીડી આપવામાં આવે. લોન માફી યોજનાઓથી નાના ખેડુતોને જ કોઈ ખાસ લાભ થતો નથી એટલે આવી યોજનાઓ જાહેરં કરતા પુર્વે બે વખત વિચાર કરવામાં આવે.
કેન્દ્ર સરકારના બજેટમાં ટમેટા, ડુંગળી, બટેટાના ઉત્પાદન વધારવા માટે 500 કરોડના ભંડોળ સાથે ઓપરેશન ગ્રીન સીમની દરખાસ્ત કરવામાં આવી હોવાનું ઉલ્લેખનીય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદિવસીય પ્રતિનિધિસભામાં ભારતીય કિસાન સંઘે વિસ્તૃત રિપોર્ટપેશ કર્યો હતો. ગ્રામ્ય હતાશા અને કિસાનોની બેહાલી તથા નબળા પડતા કૃષિક્ષેત્ર વિશે ચિંતા દર્શાવીને ખેડુતલક્ષી યોજનાઓનો અમલ અસરકારક રીતે કરાવવાની સલાહ આપવામાં આવી હતી.
રીપોર્ટમાં એમ દર્શાવાયું છે કે બહુ ઓછા ખેડુતોને ખેતપેદાશોના યોગ્ય અને પર્યાપ્ત ભાવ મળે છે.
ત્યારે સમર્થન મુલ્યની યોજના પ્રમાણીકપણે ગણતરી કરાવીને પારદર્શક રીતે લાગુ પાડવાનું અનિવાર્ય છે. મોટાભાગના કૃષિ પેશોની કિંમત સમર્થન મુલ્યની નીચે હોવાની પણ ટકોર કરવામાં આવી હતી. મધ્યપ્રદેશની યોજના કિસાનોને બદલે વેપારીઓને વધુ લાભ કરાવી ગયાનુ પણ તેમાં જણાવવામાં આવ્યુ હતું.